ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ત્રીજી યાદી જાહેર કરી, 25 ઉમેદવારોના નામ સામેલ

  • આ ઉપરાંત ભાજપે નાંદેડ લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી

મુંબઈ, 28 ઓકટોબર: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. આ ક્રમમાં આજે સોમવારે ભાજપે તેના ઉમેદવારોની ત્રીજી યાદી પણ જાહેર કરી દીધી છે. ભાજપે આ યાદીમાં 25 ઉમેદવારોના નામ સામેલ કર્યા છે. આ ઉપરાંત ભાજપે એક લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી દીધી છે. બીજેપીએ નાંદેડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે સંતુક મારોતરાવ હંબર્ડેના નામની જાહેરાત કરી છે. જાહેર કરાયેલી યાદી અનુસાર, ભાજપે મહારાષ્ટ્રની નાગપુર-પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી સુધાકર કોહલે અને નાગપુર-ઉત્તર બેઠક પરથી મિલિંદ પાંડુરંગ માનેને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય ભાજપે દેવેન્દ્ર ફડણવીસના PA સુમિત વાનખેડેને આર્વીથી ટિકિટ આપી છે.

જૂઓ ઉમેદવારોની યાદી

BJP

BJP

અત્યાર સુધીમાં 146 ઉમેદવારોના નામ જાહેર 

ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 99 ઉમેદવારોના નામ અને બીજી યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હવે ત્રીજી યાદીમાં 25 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ રીતે ભાજપે અત્યાર સુધીમાં 146 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પ્રથમ યાદીમાં ભાજપે અશોક ચવ્હાણની પુત્રી જયા અશોક ચવ્હાણને ભોકર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા. આ દરમિયાન ભાજપે મુંબઈના મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપી. બીજેપીના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને કામઠીથી અને રાજ્ય સરકારના મંત્રી સુધીર મુનગંટીવારને બલ્લારપુરથી ટિકિટ આપવામાં આવી છે.

નાંદેડ બેઠક પર પેટાચૂંટણી માટે પણ ઉમેદવાર જાહેર 

આ સિવાય ભાજપે મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે પણ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે નાંદેડથી સંતુક મારોતરાવ હંબર્ડેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નાંદેડ બેઠક પર પણ 20 નવેમ્બરે મતદાન થશે અને તેના પરિણામો પણ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે જાહેર કરવામાં આવશે. નાંદેડ લોકસભા બેઠક કોંગ્રેસના નેતા વસંતરાવ બળવંતરાવ ચવ્હાણના નિધન બાદ ખાલી થઈ હતી, ત્યારબાદ અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે.

BJP loksabha

20મી નવેમ્બરે થશે મતદાન 

મહત્ત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્રમાં હાલમાં શિવસેનાના એકનાથ શિંદેના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધનની સરકાર છે. શિવસેના ઉપરાંત નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વમાં ભાજપ અને NCP પણ આ ગઠબંધનમાં સામેલ છે. બીજી તરફ વિપક્ષી ગઠબંધન MVA છે. જેમાં ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT), વરિષ્ઠ નેતા શરદ પવારની આગેવાનીવાળી કોંગ્રેસ અને NCP (SP)નો સમાવેશ થાય છે. 2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરવામાં આવે તો ભાજપે 165 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને 105 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી.

આ પણ જૂઓ: CJI ચંદ્રચુડે રિટાયરમેન્ટ પહેલા PM મોદી સાથે કરેલી ગણેશ પૂજા પર કરી વાત, જાણો શું કહ્યું

Back to top button