કેબિનેટ મંત્રીના વિસ્તારમાં ભાજપનો રકાસ, સલાયા ન.પા. કોંગ્રેસે જાળવી રાખી, આપની 13 બેઠક


ગાંધીનગર, 18 ફેબ્રુઆરી : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પરિણામ આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. લગભગ મોટાભાગની નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં જીત મેળવી છે.
જો કે, દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતાં 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. પરિણામો જાહેર થતાં સલાયા ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ ખોલાવી શકી નથી.
ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં રિકાઉન્ટિંગમાં પણ ભાજપ જીતી ગયો છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઇ હાડગડા જીતી ગયા છે. આ ઉપરાંત સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવાર રામજી પંડ્યાએ રિકાઉન્ટિંગની માંગ કરી છે. ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે વોર્ડ નંબર 3 માં ફક્ત 30 મતોનું માર્જિન હોવાના કારણે રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી રહી છે.
જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ જીતી જતાં ભાજપનો વિજયરથ આગળ વધ્યો. આ સાથે ભાજપનો સ્કોર જૂનાગઢ મહાનગરપાલિકામાં 27 પર પહોંચી ગયો છે જ્યારે 1 બેઠક અપક્ષના હાથમાં છે અને કોંગ્રેસ હજુ ખાલી હાથ છે. વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો 11 બેઠકો પર ભાજપ બિનહરિફ રહ્યા બાદ હવે વધુ ચાર બેઠકો જીતી ગયો છે. વાંકાનેરમાં કુલ 28 બેઠકો છે. જેમાં મોટાભાગની બેઠકો ભાજપને મળે તેવી શક્યતાને જોતાં સત્તામાં અહીં ભાજપ આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.
આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ યથાવત છે. હજુ સુધી કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. જો કે અહીં એક મોટો અપસેટ થયો છે. જૂનાગઢ કોર્પોરેશનના પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાનો પુત્ર પાર્થ કોટેચા અપક્ષ સામે હારી ગયો છે. હાલ મળતી માહિતી મુજબ અહીં ભાજપના ખાતામાં 12 બેઠકો આવી ચૂકી છે. કુલ બેઠકો 60 છે.
આ ઉપરાંત ચોરવાડમાં પણ મોટો ઉલટફેર થયો છે. જેમાં ગીર સોમનાથના વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમા ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં હારી ગયાનું જાણવા મળ્યું છે. બાવળા ન.પા.માં કોંગ્રેસના બે ઉમેદવાર જીત્યાં છે. જેમાં બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવારો જીત્યાં હતા. જ્યારે કે, સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી છે. સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર 1માં પણ ભાજપની પેનલ જીતી છે.
લુણાવાડા-બાલાસિનોરમાં ભાજપની વિજયી શરૂઆત થઈ છે. લુણાવાડા અને બાલાસિનોરમાં ભાજપની પેનલ આગળ છે. સંતરામપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ આગળ નીકળી ગઈ છે. ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં પંજો આગળ છે. ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાણવડની 24 પૈકી 8 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા. કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપની પેનલ જીતી ગઈ છે.
આ ઉપરાંત વલસાડમાં પણ ભગવો લહેરાયો છે. વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી. જ્યારે જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર વિજયી થયા. હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી ગઈ છે. સ્થાનિક એકમોની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો અનુસાર ખેડબ્રહ્માં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ એટલે કે ચારેય ઉમેદવાર વિજયી બન્યા છે. જ્યારે હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં પણ ભગવો લહેરાયો છે.
હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની જીત, સાણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની જીત, જામજોધપુરના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી, કોડીનારમાં ભાજપની પેનલ જીતી, સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય, માણસા નપાના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય, તલોદના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય, અમરેલીના ચાલાલામાં ભાજપની 4 બેઠકો પર જીત સાથે ખાતું ખુલ્યું, ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 પર ભાજપની જીત, તાપીના સોનગઢ વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી, 28 બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં 4 ઉમેદવારોની જીત સાથે ખાતું ખુલ્યું. જ્યારે કે, જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકોના પરિણામ આવવાનું શરૂ થયું છે. હાલમાં ભાજપ 8 બેઠક પર આગળ છે ત્યારે કોંગ્રેસ અને અન્ય 0 પર છે.
મહત્વનું છે કે, ગત 16મી ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગરપાલિકા, રાજયની અલગ અલગ 68 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની ચુંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે આજે જનાદેશનો સૂર્યોદય થશે. આ ચુંટણીની સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતદાનમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ બાબતે એ રહી છે કે રાજયમાં એક પણ સ્થળે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. એકપણ સ્થળે પુન: મતદાન કરવાની જરુરીયાત રહી નથી.
જુનાગઢ મહાપાલિકાની ચુંટણીમાં માત્ર 44.32 ટકા જ મતદાન થયું છે. જયારે અમદાવાદ મહાપાલિકાના વોર્ડ નં. 7ની એક બેઠક, ભાવનગર મહાપાલિકાના વોર્ડ નં.3 ના એક વોર્ડની પેટા ચુંટણી અને સુરત મહાપાલિકાના વોર્ડ નં. 18 ની એક બેઠકની પેટા ચુંટણી માટે સરેરાશ 31.72 ટકા મતદાન થયું હતું.
આ ઉપરાંત 66 નગરપાલિકાની સામાન્ય ચુંંટણી માટે 61.65 ટકા જેવું નોંધપાત્ર મતદાન થયું હતું. જયારે બ નગરપાલિકાની મઘ્યસત્ર ચુંટણી માટે માત્ર 35.23 ટકા મતદાન થયું છે. અલગ અલગ નગરપાલિકાઓમાં પસંગોપાત ખાલી પડેલી 19 બેઠકો માટે 37.85 ટકા જેટલું મતદાન થયું છે. જિલ્લા પંચાયતોની આઠ બેઠકો માટેની પેટા ચુંટણીમાં 43.67 ટકા જેટલું મતદાન થયું છે. જયારે તાલુકા પંચાયતની 76 બેઠકો માટેની પેટા ચુંટણીમાં 57.01 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જ્યારે કે, ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં 64.17 ટકા, ખેડા જિલ્લાની કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી માટે 65.30 ટકા અને કઠલાલ તાલુકા પંચાયત માટે 65.07 ટકા મતદાન થયું છે. રાજય ચુંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટના જણાવ્યાનુસાર મતદાન એકંદરે શાંતિપૂર્ણ સંપન્ન થયું છે કોઇ અનિચ્છીય બનાવ બન્યો નથી. કોઇપણ મતદાન મથક પર પુન: મતદાન કરવાની જરુરત પડી નથી.
આ પણ વાંચો :- 1984ના શીખ રમખાણો કેસમાં પૂર્વ કોંગ્રેસ નેતા સજ્જન કુમારની આજે સજાની જાહેરાત