ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પડકાર ફેંક્યો, ઈસુદાન ગઢવીને કહ્યું લડવું હોય તો મેદાનમાં ઉતરો
ડેડિયાપાડા, 9 ડિસેમ્બર 2023 નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત ચાર લોકો સામે વનવિભાગના કર્મચારીઓએ કરેલી પોલીસ ફરિયાદ બાદ છેલ્લા એકાદ મહિનાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયાં છે. તેમના સમર્થકો પણ ફરિયાદ ખોટી હોવાનું જણાવી રહ્યાં છે. ત્યારે ભારત વિકાસ યાત્રાના કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા વિરોધીઓ પર લાલઘૂમ થયાં હતાં.
જેને લડવું હોય તે મેદાનમાં આવી શકે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના એક સમર્થક મહિલાએ ધારાસભ્યની ફરિયાદ માટે મનસુખ વસાવાને સોશિયલ મીડિયા પર જવાબદાર ઠેરવતી ટીપ્પણી કરી હતી. આજે ડેડિયાપાડાના ગંગાપુર ખાતે ભારત વિકાસયાત્રાનો કાર્યક્રમ હતો જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યાં હતાં. તેમણે આ કાર્યક્રમમાં જાહેરમાં ખોટી સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા લોકોની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ફોરેસ્ટના કર્મીઓએ ફરિયાદ નોંધાવી એટલે ફરિયાદ થઈ છે જેથી હવે પોલીસ સમક્ષ હાજર થવું પડે છે પરંતુ ધારાસભ્ય ભાગતા ફરે છે. એમાં હું કંઈ કરી શકું એમ નથી. આ ફરિયાદ કોઈ દબાણમાં નથી લખાવી કે અમે કોઈથી ડરી ગયા નથી. જેને લડવું હોય તે મેદાનમાં આવી શકે છે.
ચૈતર વસાવા નિર્દોષ છે તો કેમ છુપાઈને ફરે છે
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવા નિર્દોષ છે તો કેમ છુપાઈને ફરે છે. સામે આવે અને પુરાવા આપે આ સાથે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીને નામ જોગ જાહેર મંચ પરથી લલકારતાં કહ્યું કે, લડવું હોય તો મેદાનમાં આવો નહીં તો આમઆદમી પાર્ટીનો ઉમેદવાર ઉભો રાખજો લોકસભામાં કેટલા મતો મળે છે તે ખબર પડશે. સોશિયલ મીડિયામાં ટિપ્પણી ના કરી મેદાનમાં આવવા હાંકલ કરી હતી. આવી રાજકીય વાતો વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સમાજને દુષણોમાંથી મુક્ત કરવા, વ્યસનો છોડવા, શિક્ષણ વધારવા આદિવાસી સમાજની બહેનોને પણ વ્યક્તિગત મળીને વિનંતી કરી હતી કે વ્યસન છોડી બાળકોને ભણાવો.