કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ભાજપના સાંસદે ફાયર NOC માટે 70 હજારની લાંચ આપી, કોંગ્રેસે કહ્યું રામ મોકરિયાની ધરપકડ કરો

રાજકોટ, 30 મે 2024, શહેરમાં TRP ગેમઝોનમાં આગની ઘટના બાદ અનેક પ્રકારના વિવાદો સામે આવી રહ્યાં છે. ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીત બાદ બોલવાનું ભાન ભૂલ્યા હતાં અને અપશબ્દો ઉચ્ચાર્યા હતાં. ત્યારે હવે ફરીવાર તેમનો વધુ એક વિવાદ ચર્ચાએ ચઢ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન ફાયર ઓફિસર ઠેબાને બિલ્ડિંગનો પ્લાન પાસ કરવા માટે તેમણે 70 હજાર રૂપિયા આપ્યા હતાં. ત્યાર બાદ રામભાઈ સાંસદ બનતાં ફાયર ઓફિસરે તેમને પૈસા પરત આપી દીધા હતાં.

NOC માટે ફાયર ઓફિસરને રૂપિયા 70 હજાર આપ્યા
રામભાઈ મોકરિયાએ પત્રકારોને કહ્યું કે, મારો પ્લાન પાસ નહોતો થયો. સર્વે નંબર 105માં ભાજપ કાર્યાલય પાસે 27 હજાર વારમાં મેં બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો. આ જમીન બિનખેતી થયેલી છે. જેમાં રેસિડેન્સિયલ અથવા કોમર્શિયલ પ્રોજેક્ટ થઈ શકે. પહેલાં એરપોર્ટનું NOC ન હતું પછી એમણે આપી દીધું. મહાનગરપાલિકામાં કોણ પૈસા નથી લેતું? ફાયર શાખાના NOC માટે ફાયર ઓફિસર ઠેબાને રૂપિયા 70 હજાર આપ્યા હતા. ત્યારે હું સાંસદ ન હતો. કલેક્ટરમાં કોણ નથી લેતું? બધાનો ત્રાસ છે. 200 કરોડની જમીન હોય અને કામ અટકાવી દે. 70 હજાર રૂપિયા શેના માટે આપ્યા? એ વિશે પૂછતા તેમણે કહ્યું કે, પ્લાન માટે જ આપવા પડે ને? આ લોકો NOC માટે બધા પાસેથી રૂપિયા લે છે. બિલ્ડર એસોસિયએશનને પૂછશો તો ખબર પડશે?

રામ મોકરિયાની ધરપકડ કરવાની હું માગ કરું છું: હેમાંગ વસાવડા
રામ મોકરિયા દ્વારા લાંચ આપવા મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, લાંચ રૂશ્વત વિભાગના નિયમ અનુસાર લાંચ દેનાર અને લેનાર બંને ગુનેગાર છે. આ નિયમ અનુસાર રામ મોકરિયાની ધરપકડ કરવાની હું માગ કરું છું. રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર અને પાલિકામાં મોટું ભરતી કૌભાંડ ચાલી રહ્યું હોવાનો હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યો છે. રામ મોકરિયા દ્વારા લાંચ આપવા મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ ભાજપના હાલના સાંસદે ખુદ કહ્યું કે, 70 હજાર રૂપિયા લાંચ આપીને જે તે સમયે ફાયર NOC મેળવી હતી. સામાન્ય જનતાના રોજ બરોજના સાચા કામ માટે લાંચ આપી પડે તો જ કામ થાય છે તેનો આ વધુ એક પુરાવો સામે આવ્યો છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં સ્કૂલ રિક્ષા, વાન અને બસમાં ફાયર સેફ્ટીના સાધનો નહીં હોય તો કાર્યવાહી થશે

Back to top button