ભાજપ સાંસદે વાટયો ભાંગરો, મુલાયમસિંહને બદલે લાલુ પ્રસાદને સ્વર્ગસ્થ બનાવી દીધા
ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા ભાંગરો વાટવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવના જન્મદિવસ પર પ્રયાગરાજ સાંસદ રીટા બહુગુણા જોશીએ પોતાની ફેસબુક પોસ્ટમાં મુલાયમ સિંહને બદલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેની પોસ્ટ થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી અને જોશીની બહુ ટીકા થઈ હતી.
સાંસદના સ્ટાફથી ભૂલ થઈ હોવાનું કહીં મામલો થાળે પાડવાની કોશિશ કરાઈ
સાંસદ જોશી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ફેસબુક પોસ્ટમાં તસવીર મુલાયમસિંહની હતી અને લાલુ પ્રસાદ યાદવનું નામ લખવામાં આવ્યું હતું. જ્યારે આ માહિતી રીટા જોશીને મળી તો તેણે તરત જ તે પોસ્ટ તેના ફેસબુક પરથી હટાવી લીધી હતી. આ બાબતને લઈ રીટા જોશીના પ્રતિનિધિ અને પૂર્વ કાઉન્સિલર વિજય પુરસ્વાનીએ જણાવ્યું કે, સાંસદના સ્ટાફ દ્વારા સવારે આ ભૂલ થઈ હતી. આ પોસ્ટની જાણ થતાં જ તેને દૂર કરવામાં આવી હતી.
થોડા સમય અગાઉ જ સપા નેતાનું નિધન થયું હતું
ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવનું નિધન ગત 10 ઓક્ટોબરે થયું હતું. લાંબી બીમારીના કારણે તેમણે ફાની દુનિયાને અલવિદા કહીં દીધું હતું. તેઓ 3 વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓએ ભારત સરકારના સંરક્ષણ મંત્રી તરીકે પણ સેવા આપી છે.