ભાજપના MLA પાછા ભાજપમાંઃ કોંગ્રેસમાં ગયેલા વસંત ભટોળ ફરી ફરીને પાછા આવશે
બનાસકાંઠા: પાંચ રાજ્યોની ચૂંટણીના આવેલા પરિણામોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હવે કોંગ્રેસની સરકાર દેશમાં માત્ર રાજસ્થાન અને છત્તીસગઢમાં જ રહી છે. આવામાં ગુજરાતમાં આ વર્ષે યોજાનારી ચૂંટણીને ધ્યાને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. હાલમાં દરેક પક્ષમાં તોડજોડની રાજનીતિ પણ થઈ રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતની તમામ 26 બેઠકો કબ્જે કરવા ભાજપ કમરકસી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં હાલ 11 બેઠકો ભાજપ પાસે અને 14 બેઠકો કોંગ્રેસ પાસે અને 1 બેઠક અપક્ષ પાસે છે. જેમાં ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય અશ્વિન કોટવાલ થોડા દિવસ અગાઉ ભાજપમાં જોડાયા છે તો અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠક હાલ ખાલી છે કારણ કે, તાજેતરમાં જ ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું નિધન થયું છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં અપનાવેલી નીતિને ગુજરાતમાં અનુસરવા જઈ રહી છે. જેથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવાના એંધાણ જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે આવતીકાલે કોંગ્રેસને વધુ એક ઝટકો ભાજપ આપવા જઈ રહ્યું છે.
ભાજપમાં ભરતી સદાબહાર…
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. બીજી બાજુ ચૂંટણી પૂર્વે પક્ષપલ્ટાની મોસમ ખીલી છે. ત્યારે કોંગ્રેસના વઘુ એક નેતા કેસરિયો ખેસ ધારણ કરશે. દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આવતીકાલે ભાજપમાં જોડાશે. તેઓ આવતીકાલે કમલમમાં પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે. ત્યારે રાજકારણમાં ચારેકોર ચર્ચા ચાલી રહી છે કે,કોંગ્રેસમાં ગયેલા વસંત ભટોળની ફરી ફરીને આવતીકાલે ઘર વાપસી થશે.
ચૌધરી સમાજના બાહુબલી નેતા મનાય છે
2019માં ભાજપથી નારાજ થઈને વસંત ભટોળ કોંગ્રેસમાં જોડાયા હતા.વસંત ભટોળ 2007માં ભાજપમાંથી દાંતા સીટ જીત્યા હતા. 2007થી 2012 સુધી વસંત ભટોલ ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2019 લોકસભાની ચૂંટણીમાં તેમના પિતા પરથી ભટોળ કોંગ્રેસમાંથી લોકસભા લડતા વસંત ભટોળ કોંગ્રેસમાં જોડાયા હતા. પરથી ભટોળ ચૌધરી સમાજના બાહુબલી નેતા માનવામાં આવે છે.
વસંત ભટોળના પિતા પરથી ભટોળ અંગે પણ જાણો
2019માં કોંગ્રેસમાં મજબૂત દાવેદારો હોવા છતાં ચૌધરી સમાજનો કદાવર ચહેરો ન હોવાના લીધે પરથીભાઇ પર પસંદગી ઉતારી હતી. 1944માં જન્મેલા પરથી ભટોળ 1970થી બનાસ ડેરીના માધ્યમથી સહકારી ક્ષેત્રમાં પ્રવૃત, 1991થી 2015 સુધી બનાસ ડેરીના ચેરમેન, 2006થી 2012 સુધી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન રહ્યા. સહકારી ક્ષેત્રે મજબૂત પકડ.બનાસ ડેરીના માધ્યમથી જિલ્લાના ચાર લાખ દૂધ ઉત્પાદકો સાથે સીધો સંપર્ક, ડેરીના માધ્યમથી પરિવારોને પગભર બનાવવાના પ્રયાસોના લીધે અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. સહકારી ક્ષેત્રે લોકપ્રિયતા ધરાવતા પિતાના અનુભવોનો લાભ પુત્રને થાય છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.