ભાજપના ધારાસભ્ય રામદુલારને રેપ કેસમાં 25 વર્ષની જેલ, 10 લાખનો દંડ
- સગીરા સાથે બળાત્કારના કેસમાં ભાજપના ધારાસભ્યને 25 વર્ષની જેલ
- 12 ડિસેમ્બરે બળાત્કારના કેસમાં ધારાસભ્યને દોષિત જાહેર કર્યા હતા
લખનઉ, 15 ડિસેમ્બર: દુધ્ધી વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડને સોનભદ્રની MP/MLA કોર્ટે સગીરા પર બળાત્કારના કેસમાં 25 વર્ષની જેલની સજા ફટકારી છે. તેમજ કોર્ટે ગોંડ પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે 12 ડિસેમ્બરે આ કેસમાં ભાજપના ધારાસભ્યને દોષિત જાહેર કર્યા હતા. ત્યાર બાદ જેલમાં પણ મોકલી દેવામાં આવ્યા છે.
અગાઉ, જ્યારે ભાજપના ધારાસભ્યને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, ત્યારે પીડિતાના વકીલ વિકાસ શાક્યએ કહ્યું હતું કે કેસ દરમિયાન સમાધાન કરવા માટે પીડિતાને પૈસાની લાલચ આપવામાં આવી હતી. એટલું જ નહીં વિવિધ પ્રકારની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
ધારાસભ્યએ પીડિતાને તેના સાસરે જઈને ધમકી આપી હતી
પીડિતાના વકીલે કહ્યું હતું કે, ‘દોષિત ધારાસભ્ય રામદુલારે પીડિતાને તેના લગ્ન પછી તેના સાસરિયાના ઘરે જઈને ધમકી આપી હતી. બળાત્કાર બાદ પીડિતા ગર્ભવતી બની હતી. કોર્ટમાં અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ડીએનએ ટેસ્ટ માટે પણ વિનંતી કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. સામા પક્ષે આ આધારે બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, સુનાવણી પૂર્ણ થયા બાદ નિર્ણય અમારી તરફેણમાં આવ્યો’.
શું છે આખો મામલો?
ફરિયાદ પક્ષ અનુસાર, આ કેસ 4 નવેમ્બર, 2014નો છે. જ્યારે મેયરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતા એક વ્યક્તિએ રામદુલાર ગોંડ વિરુદ્ધ તેની સગીર બહેન પર બળાત્કાર કરવાનો કેસ દાખલ કર્યો હતો. રામદુલાર ગોંડ પર પીડિતાનું નકલી શાળા પ્રમાણપત્ર બનાવવાનો પણ આરોપ છે. POCSO એક્ટથી બચવા માટે, પીડિતાની જન્મ તારીખ લંબાવવામાં આવી હતી અને છોકરીને પુખ્ત જાહેર કરવા માટે શાળાના પ્રમાણપત્ર સાથે ચેડા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને ફટકો, સરવે પર સ્ટે આપવાનો SCનો ઇનકાર