વાંકાનેર બેઠક ઉપર ભાજપને પડી શકે છે ફટકો, જાણો કોણ – કોણ છે નારાજ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે દિવસ પહેલા ભાજપે પોતાની યાદી જાહેર કરી હતી. લગભગ મોટાભાગના મત વિસ્તારોમાં જાહેર થયેલા ઉમેદવાર સાથે ત્યાંના સ્થાનિક નેતાઓ અને પક્ષના કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતા સહમત થઈ છે પણ અમુક એવીએ બેઠક છે જેના ઉપર વિરોધ થઈ રહ્યો છે. જેમ કે મોરબીની વાંકાનેર વિધાનસભા બેઠક. આ બેઠક ઉપર આ વખતે ભાજપે લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીને ટિકિટ આપી છે. આમ તો આ બેઠક ઉપર લોહાણા જ્ઞાતિ સાથે મુસ્લિમ વોટબેંક પણ વધુ છે પરંતુ ભાજપે ક્યારેય તેમને ટિકિટ આપી નથી. જો કે અહીંયા કોળી, ક્ષત્રિયો અને અન્ય ઇત્તર કોમના પણ મતદાર એટલા જ છે. ત્યારે જીતુભાઈ સોમાણીની સામે નારાજગીનો સુર ઉઠવા પામ્યો છે. અહીં કોળી સમાજ અને ક્ષત્રિય સમાજે વિરોધ શરૂ કર્યો છે.
ઉમેદવારના નામની ફેર વિચારણા કરવા સમાજોની રજુઆત
ભાજપે જીતુભાઈના નામની જાહેરાત જ્યારથી કરી છે ત્યારથી લોહાણા સમાજ સિવાય અન્ય જ્ઞાતિઓ દ્વારા તેઓના નામનો વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે કોળી સમાજે તેઓનો વિરોધ કર્યો હતો દરમ્યાન આજે ક્ષત્રિય સમાજ પણ મેદાને ઉતર્યું છે. જય ભવાનીના નારા સાથે તેમણે ભાજપ સામે બંડ પોકારી ઉમેદવાર વિશે ફેર વિચારણા કરવા માંગ કરી છે.
મહારાજા કેસરીસિંહ અપક્ષ ઝુંકાવશે !!
બીજીબાજુ જીતુભાઇના નામને લઈ વાંકાનેરના મહારાજા કેસરીસિંહ પણ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. તેઓએ આ બેઠક ઉપર પોતાની દાવેદારી નોંધાવી હતી પરંતુ પાર્ટીએ વર્ષો જુના કાર્યકર્તા જીતુભાઈને ટિકિટ આપી છે જેથી તેઓ નારાજ થયા છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ તેમણે ઉમેદવારી ફોર્મ ઉઠાવ્યું છે અને તેઓ અપક્ષ દાવેદારી કરવાના છે. જો આવું થાય તો અહીંયા ભાજપની ચિંતા વધી જાય તેમ છે.