દિલ્હીમાં મંદિર-દરગાહ તોડવા પર BJPએ કેજરીવાલ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
દિલ્હીના ઉપરાજ્યપાલના આદેશ પર ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને તોડી પાડવાનું કામ ચાલી રહ્યું છે. તાજેતરમાં, મંડાવલીમાં શનિ મંદિરની ગ્રીલ તોડ્યા પછી, જાહેર બાંધકામ વિભાગે રવિવારે ફરી એક વખત એ જ કાર્યવાહી કરી. આજની કાર્યવાહીમાં PWDની ટીમે ભજનપુરા વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર અને દરગાહને તોડી પાડી હતી. આ ઘટના બાદ AAP અને BJP વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
BJPના ધારાસભ્યએ અરવિંદ કેજરીવાલની સરકાર પર લગાવ્યા આરોપ
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અજય મહાવરે રવિવારે હિન્દુઓનું હનુમાન મંદિર અને મુસ્લિમોની દરગાહ તોડ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે આજે ભજનપુરામાં આવેલા હનુમાનજીના મંદિરને દિલ્હી સરકારના PWD વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. અમે વહીવટીતંત્ર સાથે વાત કરી હતી અને તેમને વૈકલ્પિક સ્થળ સૂચવવા વિનંતી કરી હતી જેથી મંદિરને સન્માનપૂર્વક ત્યાં ખસેડી શકાય. પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. પીડબલ્યુડી મિનિસ્ટર આતિષી જેવા લોકો જે આના પર રાજનીતિ કરી રહ્યા છે તેઓએ જણાવવું જોઈએ કે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ કોના હાથ નીચે આવે છે. મંદિર અને દરગાહ બંને તોડવા માટે માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીની સરકાર જ જવાબદાર છે.
દિલ્હીમાં 14 ધાર્મિક સ્થળોને તોડવાનો આદેશ
આ પહેલા એલજી વિનય કુમાર સક્સેના પર નિશાન સાધતા દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું હતું કે અમે તમને મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો ન તોડવાની અપીલ કરી હતી. તમે દિલ્હીમાં 14 ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. તેમાં 11 મંદિર અને 3 દરગાહ સામેલ છે. ફેબ્રુઆરી 2023માં, ધાર્મિક સમિતિ દ્વારા, તત્કાલિન ગૃહ પ્રધાન મનીષ સિસોદિયાએ પણ ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મંદિરો તોડવાને બદલે આ પ્રોજેક્ટનો નકશો બદલવો જોઈએ. તેમણે કહ્યું હતું કે મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. ફરી એકવાર હું તમને વિનંતી કરું છું કે 11 મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો તમારો નિર્ણય પાછો લો.
આ પણ વાંચો: CM બિસ્વાના કૉંગ્રેસ પર પ્રહાર, ‘હિંસા બાદ મણિપુરમાં શાંતિ થવા લાગી તો કૉંગ્રેસ રડવા લાગી’