ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

પટનામાં વિધાનસભા કૂચ દરમિયાન લાઠીચાર્જ ! ભાજપના નેતાઓને દોડાવી-દોડાવી માર્યો માર

Text To Speech

પટનાના ડાકબંગલા ચોક પર ભાજપની વિધાનસભા કૂચને પોલીસે અટકાવી હતી. આ દરમિયાન માર્ચને રોકવા માટે બળપ્રયોગ કરવામાં આવ્યો હતો અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો જોડાયા હતા. ગાંધી મેદાનથી વિધાનસભા કૂચ શરૂ થઈ હતી. જેવી ભીડ ડાક બંગલા ચૌરાહા પર પહોંચી કે તરત જ તેને અહીં રોકવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી.

ભાજપના નેતાઓ અને કાર્યકરો ગાંધી મેદાનથી ફ્રેઝર રોડ થઈને ડાક બંગલા પાસે પહોંચ્યા હતા. અહીં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે લાઠીચાર્જ કરી વોટર કેનન છોડ્યું હતું. પોલીસે વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હા, બીજેપી સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ સહિત અનેક નેતાઓને બળપ્રયોગ કરીને રોક્યા હતા. સિગ્રીવાલે કહ્યું કે અમે યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવી રહ્યા હતા. નીતીશ સરકારે દબાવવાનો પ્રયાસ કર્યો. શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા પરંતુ મારપીટ કરવામાં આવી છે.

ભાજપના કાર્યકરોને દોડાવી-દોડાવી માર્યો માર

પ્રદર્શન દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં અન્ય નેતાઓ અને કાર્યકરો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. લાઠીચાર્જ દરમિયાન ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો ઘાયલ થયાના સમાચાર છે. વિપક્ષના નેતા વિજય કુમાર સિંહાએ કહ્યું કે અમારા કાર્યકરોનો પીછો કરવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો.

જણાવી દઈએ કે ભાજપે ગાંધી મેદાનથી વિધાનસભા સુધી રેલી કાઢી હતી. ભાજપના અગ્રણી નેતાઓ સાથે હજારો કાર્યકરો અને કેટલાક શિક્ષક ઉમેદવારો પણ ત્યાં હતા. લેન્ડ ફોર જોબ કેસમાં સીબીઆઈની ચાર્જશીટમાં તેજસ્વીનું નામ છે. ભાજપ તેજસ્વીના રાજીનામાની માંગ કરી રહી છે. શિક્ષક ભરતીના નિયમોમાં કરાયેલો ફેરફાર પાછો ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. તે 10 લાખ લોકોને રોજગાર આપવાના વચન પર સવાલ ઉઠાવી રહી છે, તેનું શું થયું.

Back to top button