ભાજપના નેતાઓમાં ચૂંટણી જીતાડવાની તાકાત નથી એટલે કોંગ્રેસના ધારાસભ્યોને તોડે, જાણો કોને આપ્યું નિવેદન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ પક્ષ પલટા માટે અનેક નેતાઓ રાહ જોઈ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના કોંગ્રેસના છ ધારાસભ્ય આગામી દિવસોમાં પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ છે. તેવામાં આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.
ભાજપના નેતાઓમાં ચૂંટણી જીતવાની ત્રેવડ નથી
જેમાં તેઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ધારાસભ્યોના પક્ષ પલટા અંગે કહ્યું હતું કે ભાજપના નેતાઓમાં ચૂંટણી જીતવાની ત્રેવડ નથી એટલા માટે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય અને આગેવાનોને તોડી રહ્યા છે.
લલિતભાઈ વસોયાની ભાજપમાં જોડાવાની વાત પાયા વિહોણી
વધુમાં સૌરાષ્ટ્રના ધારાસભ્ય અંગે કગથરાએ કહ્યું હતું કે વસોયાની ભાજપમાં જોડાવાની વાત પાયા વિહોણી છે કોઈ પણ મોટી ઘટના બને હું, કિરીટ પટેલ અને લલીત વસોયા હંમેશા સાથે જ હોઈએ છીએ. એટલે તેઓ પક્ષપલટો કરશે તેવું મને લાગતું નથી. લલિતભાઈ તો શું એકપણ ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં. ભાજપ અને તેના નેતાઓએ આ માત્ર અફવાઓ ફેલાવી છે બાકી કંઈ નથી. ત્યારે આ મામલે આગામી દિવસોમાં કંઇ નવા-જૂની થાય છે કે કેમ ? તે જોવાનું રહેશે.