અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટે.માં BJPના નેતાનો બર્થ ડે ઉજવાયો? પોલીસે કર્યો ખુલાસો

  • આગામી 7 જુલાઇના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે યોજાયેલા રક્તદાન શિબિર કાર્યક્રમ બાદ ઉજવણી કરવામાં આવી

અમદાવાદ, 29 જૂન: અમદાવાદ શહેરમાં આગામી 7 જુલાઇના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર અને DSP સહિતના તમામ લોકો રક્તદાનની કામગીરી પૂર્ણ કર્યા બાદ ઓફિસમાં હાજર હતા. આ સમયે અહીંયા ભાજપના નેતા અને ડાયરાના કલાકારો પણ પહોંચ્યા હતા. આ દરમિયાન કથિત રીતે એક કલાકારનો જન્મદિવસ હોવાથી સરકારી કચેરીમાં DCP-PIની હાજરીમાં જ કેક કાપવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા સરકારી કચેરીમાં તાળી પાડીને હેપ્પી બર્થ ડે કહેવામાં આવ્યું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે આ વીડિયો ખૂબ વાયરલ થતાં પોલીસ દ્વારા પોતાના સ્વ: બચાવમાં નવો જ ખુલાસો કરવામાં આવ્યો છે.

 

સામાજિક કાર્યક્રમની જગ્યાએ રાજકીય કાર્યક્રમ બની ગયો 

હવે આ વીડિયો ખૂબ વાયરલ થતાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ખુલાસો કરતાં કહેવામાં આવ્યું છે કે, “તે દિવસે રક્તદાન શિબિર બાદ કેટલાક લોકો કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ કેક લઇને પોલીસ સ્ટેશન આવ્યા હતા અને કલાકારનો જન્મદિવસ હતો, તે બંને માત્ર એક સંયોગ બન્યો અને જેના કારણે કેક કાપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.” તો બીજી તરફ આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને DCP વીડિયોમાં કલાકારના બર્થ ડેની કેક કાપતા સમયે તાળીઓ પાડતા પણ દેખાઈ રહ્યા છે. જે અંગે હાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં આ સામાજિક કાર્યક્રમની જગ્યાએ રાજકીય કાર્યક્રમ બન્યો હોય તેવું બહાર આવ્યું છે.

 દરિયાપુર પોલીસ સ્ટેશન
દરિયાપુર પોલીસ સ્ટેશન

સરકારી કચેરીમાં જન્મદિવસ પર ત્રણ કેક કટ કરવામાં આવી હતી!

દરિયાપુર વિસ્તારમાં આવેલી F ડિવિઝનની સરકારી કચેરીમાં થોડા સમય પહેલાં રક્તદાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રક્તદાનની કામગીરી પૂર્ણ થયા બાદ અહીંયા ભાજપના નેતા અને સાંસ્કૃતિક વિભાગમાં યોગેશ ગઢવી અને તેમની સાથે સ્થાનિક કાર્યકર તેમજ ભાજપના કાર્યકર હિમાંશુ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ઓફિસની અંદર DCP ઝોન 4 કાનન દેસાઈ આ ઝોનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર હાજર હતા. અહીંયા ટેબલ પર ત્રણ કેક પડેલી દેખાય છે. જે કેક તમામ પોલીસ અધિકારીઓની હાજરીમાં કટ કરવામાં આવે છે. તે સમયે ભાજપના કાર્યકર હિમાંશુ ચૌહાણનો પણ જન્મદિવસ હતો અને તેથી તેના બર્થ ડેનું સેલિબ્રેશન થયું હોવાની વાતો વહેતી થઈ છે. ત્યારે સામાન્ય વ્યક્તિનો જન્મદિવસ અધિકારીની કચેરીમાં કઈ રીતે ઉજવાયો તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

મામલો વિવાદિત બનતા સ્વ:બચાવમાં પોલીસે કર્યો ખુલાસો 

મામલો વિવાદિત બનતા હવે આ અંગે પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, “આ ઉજવણી રક્તદાન શિબિરની હતી, જન્મદિવસની નહીં” એટલે હવે વિવાદ વધતાં પોલીસ દ્વારા પોતાનો બચાવ કરવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

આ પણ જુઓ: આયુષ્યમાન યોજના હેઠળ ઠગાઈ : રાજકોટની હોસ્પિટલને રૂ.6.54 કરોડનો દંડ

Back to top button