અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ભાજપ પર ઈશુદાને લગાવ્યો આરોપ, કહ્યું- ‘કેજરીવાલની ધરપકડની કોશિશ થઈ રહી છે’

  • ઈન્ડી ગઠબંધનની ગુજરાત અને દિલ્હીમાં લગભગ સીટ શેરિંગની પ્રક્રિયા પૂર્ણ: ઈશુદાન ગઢવી
  • ઈન્ડી ગઠબંધનની રચના બાદ ભાજપે એક પછી એક સરકારો પાડવાની અને પક્ષ પલટા કરાવવાની રાજનીતિ શરૂ કરી દીધી: ઈશુદાન ગઢવી

અમદાવાદ, 23 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી માટે ઈન્ડી ગઠબંધન હાલ સીટ શેરિંગના આખરી તબક્કામાં છે. આજ સાંજ સુધીમાં એક મહત્વપૂર્ણ મિટિંગ થશે, ત્યારબાદ ગુજરાત અને દિલ્હીમાં લગભગ સીટ શેરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આ દરમિયાન ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યા છે કે, ‘જ્યારથી ઈન્ડી ગઠબંધનની રચના થઈ ત્યારથી જ ભાજપે એક પછી એક સરકારો પાડવાની અને પક્ષ પલટા કરાવવાની રાજનીતિ શરૂ કરી દીધી હતી.’ વધુમાં તેમણે ભાજપ પર આરોપ લગાવતાં કહ્યું કે ભાજપ કેજરીવાલની ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે. ભાજપને ઈન્ડી ગઠબંધન એક થઈને લડે નહીં એ માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.’

વધુમાં ઈશુદાને કહ્યું કે, ‘આમ આદમી પાર્ટી ઈન્ડી ગઠબંધનને લઈને સંપૂર્ણપણે કટિબદ્ધ છે. ગુજરાતમાં લગભગ સીટ શેરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આજની છેલ્લી મિટિંગ બાદ અમે છેલ્લા નિર્ણય પર પહોંચીશું. દિલ્હીમાં પણ સીટ શેરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ભાજપને ખ્યાલ છે કે, જો ગુજરાતમાં ઈન્ડી ગઠબંધન લાગુ થશે તો 26માંથી 26 સીટો ભાજપ જીતી શકશે નહીં. આવો જ ડર દિલ્હીની સાત બેઠકો લઈને ભાજપને સતાવી રહ્યો છે. આમ આદમી પાર્ટી ઈન્ડી ગઠબંધનને લઈને કટિબદ્ધ છે અને જો જરૂર પડે તો કેટલીક ચીજો જતી કરવી પડે તો એના માટે પણ અમે તૈયાર છીએ.’

ભાજપ કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે: ઈશુદાન ગઢવી

ઈશુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, ‘ભાજપ હવે બે રણનીતિ અપનાવી રહ્યું છે, તેઓ કોશિશ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવે. ઈન્ડી ગઠબંધનથી જ છૂટા પડવા માટે અરવિંદ કેજરીવાલ પર ઘણું દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપ ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી એકલા થઈને ચૂંટણી લડે કારણ કે મત વહેંચાઈ જાય. હાલ ઇડીનું સાતમું સમન્સ આવ્યું અને કોર્ટમાં તારીખ પડેલી છે માટે હવે સીબીઆઇએ અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારી છે અને CBI અરવિંદ કેજરીવાલની ધરપકડ કરે તે રીતની શક્યતાઓ દેખાઈ રહી છે.’

અરવિંદ કેજરીવાલ આંદોલનમાંથી તૈયાર થયેલો માણસ છે: ઈશુદાન ગઢવી

ઈશુદાને કહ્યું, ‘અરવિંદ કેજરીવાલ જેલમાં જવાથી ડરતા નથી. અરવિંદ કેજરીવાલ આંદોલનમાંથી તૈયાર થયેલા એક વ્યકિત છે, જેઓએ પોતાનું સર્વસ્વ છોડીને આ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલ પહેલા આમ આદમી પાર્ટીના જેટલા પણ મોટા લીડર્સ હતા, તેઓને ખોટા લિકર સ્કેમમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા છે અને હાલ તેમને જામીન પણ મળી રહ્યા નહીં એ હદે ભાજપ કોશિશ કરી રહી છે. આમ આદમી પાર્ટીના કોઈ નેતા વિરુદ્ધ કોઈ પણ પુરાવા નથી.’

ગુજરાતમાં પેટા ચૂંટણી પણ ઈન્ડી ગઠબંધન હેઠળ લડીશું: ઈશુદાન ગઢવી

ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈને ઈશુદાને કહ્યું કે ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈને ઈશુદાને મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે હવે પછી પેટા ચૂંટણી પણ ઈન્ડી ગઠબંધન હેઠળ લડવાની વાતચીત ચાલી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે માહિતી મળી છે કે જે સીટો પર ઈન્ડી ગઠબંધન લાગુ થયું છે ત્યાં અમારી વિરુદ્ધ વિરોધના વંટોળ ઊભા થાય અને કઈ રીતે ઈન્ડી ગઠબંધનને ડેમેજ કરવામાં આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.’

આ પણ વાંચો: ગાંધીનગરમાં હલ્લાબોલઃ સરકારી કર્મચારીઓની જુની પેન્શન યોજના લાગુ કરવા માંગ

Back to top button