અમદાવાદ, 3 ડિસેમ્બર 2023ઃ દેશના ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોના વલણો સવારથી જ ચાલુ થઈ ગયા હતાં. આ વલણોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શરૂઆતમાં તો કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ ધીમે ધીમે વલણો આગળ વધતાં ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બને તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે એક તેલંગાણામાં કોંગ્રેસને બહુમત મળી રહ્યો છે. હાલમાં ચાલી રહેલો ટ્રેન્ડ આજે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. પરંતુ એક્ઝિટ પોલ જ્યારે જાહેર થયાં હતાં ત્યારે ભાજપ અને કોંગ્રેસને બે- રાજ્યોમાં જીત મળી રહી છે એવું અનુમાન કરાયુ હતું. તો હાલમાં ચાલી રહેલા મતગણતરીના વલણો પ્રમાણે આ એક્ઝિટ પોલ કેટલા સાચા પડ્યાં છે એ જાણીએ.
મધ્યપ્રદેશમાં ભાજપ માટે એક્ઝિટ પોલ સાચા પડ્યા
શુક્રવારે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશમાં ભાજપને 140-162 બેઠકો મળવાનું અનુમાન કરવામાં આવ્યુ હતું. જ્યારે કોંગ્રેસને 110થી 125 બેઠકો મળવાનો વરતારો હતો. હાલના વલણો પ્રમાણે મધ્યપ્રદેશની વાત કરીએ તો ભાજપને 156 અને કોંગ્રેસને 70 બેઠકો મળી રહી છે. ત્યારે અહીં એક્ઝિટ પોલ કોંગ્રેસ માટે ખોટા પડ્યા હોય એવું લાગી રહ્યું છે. જ્યારે રાજસ્થાનની વાત કરીએ તો એક્ઝિટ પોલમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. એક્ઝિટ પોલમાં ભાજપને 110થી 128 બેઠકો અને કોંગ્રેસને 100થી 110 બેઠકો મળવાનું અનુમાન કરાયું હતું. પરંતુ આજે જાહેર થયેલા શરૂઆતના વલણોમાં બંને પક્ષોમાં કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ બપોરે બાર વાગ્યા સુધીમાં ભાજપને 116 તો કોંગ્રેસને 61 બેઠકો મળે તેવા વલણો છે. અહીં અન્ય પક્ષોએ કોંગ્રેસની બાજી બગાડી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં 21 બેઠકો પર અન્ય પક્ષો આગળ દેખાય છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો રાજસ્થાનમાં પણ અનુમાન મહદ અંશે ભાજપ તરફે સાચુ પડ્યું છે.
છત્તીસગઢમાં એક્ઝિટ પોલનું અનુમાન ખોટુ પડ્યું
છત્તીસગઢની વાત કરીએ તો એક્ઝિટ પોલમાં ભાજપને 36થી 46 અને કોંગ્રેસને 41થી 53 બેઠકો મળવાનો વરતારો હતો. જ્યારે આજે જાહેર થયેલા મતગણતરીના શરૂઆતના વલણોમાં બંને પક્ષો વચ્ચે કટોકટી જોવા મળી હતી. પરંતુ આખરે છત્તીસગઢમાં પણ ભાજપ સત્તાની નજીક પહોંચી રહી છે. ત્યારે અહીં એક્ઝિટ પોલનું અનુમાન ખોટુ પડ્યુ હોય એવું દેખાય છે. તેલંગાણામાં એક્ઝિટ પોલમાં બીઆરએસને 38થી 56 ભાજપને 5થી 13 અને કોંગ્રેસને 60થી 70 બેઠકો મળવાનુ અનુમાન કરાયું હતું. આજે મતગણતરી શરૂ થતાં કોંગ્રેસ જીત તરફ હોય તેવી સ્થિતિ હતી. બપોરે 12 વાગ્યા સુધીમાં તો તેલંગાણામાં કોંગ્રેસને 69 બીઆરએસને 36 અને ભાજપને આઠ બેઠકો મળતી દેખાઈ રહી છે.
ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપ સત્તા તરફ
ટુંકમાં ચારેય રાજ્યોમાં એક્ઝિટ પોલ તેલંગાણા અને મધ્યપ્રદેશમાં મહદ અંશે સાચા પડ્યા છે અને રાજસ્થાન તથા છત્તીસગઢમાં અનુમાન કરાવામાં આવેલા આંકડામા અને મતગણતરીના વલણોમાં દેખાઈ રહેલી બેઠકોના આંકડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આજની મતગણતરીમાં બપોરે 12વાગ્યા સુધીમાં ત્રણ રાજ્યોમાં ભાજપ અને એકમાં કોંગ્રેસને સત્તા મળી રહી છે. જે એક્ઝિટ પોલમાં બંને પક્ષોને બે-બે રાજ્યોમાં સત્તા મળતી હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. ચૂંટણીના પરિણામની વાત પર નજર કરીએ તો કોંગ્રેસના સિનિયર અને દિગ્ગજ નેતાઓ જ આ ચૂંટણીમાં હારવાની અણી પર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ ચૂંટણીના પરિણામ બાદ 6 ડિસેમ્બરે I.N.D.I. ગઠબંધનની બેઠક યોજાશે