છત્તીસગઢમાં પાંચ વર્ષ બાદ કમળ ખીલશે, કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ હારના આરે
રાયપુર, 03 ડિસેમ્બર: છત્તીસગઢમાં મત ગણતરીના પરિણામો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી 54 બેઠકો સાથે બહુમતી સાથે આગળ જ્યારે આ વખતે કોંગ્રેસે 33 સીટ સાથે પાછળ છે. જો કે, છત્તીસગઢમાં ઓછી સીટ મળતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પંચના પ્રારંભિક વલણોમાં, કોંગ્રેસ સાથેની કાંટાની ટક્કર બાદ ભાજપને બહુમતી મળી છે. અત્યારના વલણોને જોતા ભાજપની જીત નક્કી દેખાઈ છે.
છત્તીસગઢમાં કમળ ખીલશે: બીજેપી પ્રદેશ અધ્યક્ષ
છત્તીસગઢના બીજેપી અધ્યક્ષ અરુણ સાઓનું કહેવું છે કે, કોંગ્રેસનું કુશાસન ખતમ થવા જઈ રહ્યું છે. હવે કમળ ખીલશે અને છત્તીસગઢ વિકાસના પંથે આગળ વધશે. તમામ નાગરિકોને પીએમ મોદીની ગેરંટી મળશે. તેમણે કહ્યું કે, જેમણે પણ રાજ્યને લૂંટ્યું છે એને છોડવામાં નહીં આવે. મુખ્યમંત્રીનો નિર્ણય ધારાસભ્ય અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નક્કી કરવામાં આવશે. ખૂબ જ ટૂંક સમયમાં અમે રાજ્યમાં સરકાર બનાવીશું.
#WATCH | Chhattisgarh BJP President Arun Sao says, “The misgovernance of Congress is about to end. The lotus will bloom. Chhattisgarh will move forward on the path of development. Chhattisgarh will get the guarantee of PM Modi. The trends will be converted into reality and we… pic.twitter.com/USiokGjMWy
— ANI (@ANI) December 3, 2023
ભૂપેશ બઘેલ 10,000 મતથી આગળ રહ્યા
અત્યાર સુધીની મતગણતરીમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ (કોંગ્રેસ)ને 52,799 અને ભાજપના વિજય બઘેલને 45,328 મત મળ્યા છે. દુર્ગ જિલ્લાના પાટણ વિધાનસભા મતવિસ્તારમાં દસમા રાઉન્ડની મતગણતરી બાદ ભૂપેશ બઘેલ 7471 મતોથી આગળ છે. અગાઉ નવમા રાઉન્ડમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ 5598 મતોથી આગળ હતા, આઠમા રાઉન્ડમાં તેઓ 4401 મતોથી આગળ હતા અને છઠ્ઠા રાઉન્ડમાં તેઓ 2470 મતોથી આગળ હતા.
ભૂપેશ સરકારના 8 મંત્રીઓ પાછળ
અંબિકાપુરમાં કોંગ્રેસના ટીએસ સિંહદેવ , સીતાપુરમાં અમરજીત ભગત, સજામાં રવિન્દ્ર ચૌબે, શિવ દાહરિયા અરંગમાં પાછળ છે. આ ઉપરાંત, જયસિંહ અગ્રવાલ કોરબામાં મતોથી પાછળ છે. વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંત શક્તિમાં પાછળ છે. દુર્ગ ગ્રામીણ, કવર્ધામાં મોહમ્મદ અકબર પાછળ છે. કોંડાગાંવના મોહન માર્કમ પાછળ છે.
રાજ્યના પૂર્વ સીએમ રમણસિંહે બેઠકમાં જીત મેળવી
મતગણતરી મુજબ, રાજનંદગાંવ મત વિસ્તારના બીજેપીના ઉમેદવાર ડૉ.રમણ સિંહે જીત મેળવી છે. તેઓ 34 હજાર મત સાથે લીડ કરી રહ્યા છે. આ પહેલા તેઓ 2003 થી 2017 સુધી સતત ત્રણ ટર્મ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. જો કે, 2018ની છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં સિંહે કોંગ્રેસના ઉમેદવાર કરુણા શુક્લાને 16,933 મતોથી હરાવ્યા હતા.
વર્તમાન ડેપ્યુટી સીએમ પાછળ રહ્યા
અંબિકાપુર વિધાનસભા ક્ષેત્રની વાત કરીએ તો, ત્યાં વર્તમાન નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ટી.એસ. સિંઘ દેવ ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં તેમને મોટો ફટકો પડ્યો છે. બીજેપી ઉમેદવાર રાજેશ અગ્રવાલ હાલમાં આ બેઠક પર આગળ છે. રાજેશ અગ્રવાલે 7,420 મતથી વિજ્ય મેળવ્યો છે.
ભરતપુર-સોનહાટ વિસ્તારમાં ભાજપ આગળ
ભરતપુર-સોનહાટ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રેણુકા સિંઘ હાલમાં લીડ કરી રહ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબ સિંહ કમરો 6 હજાર જેટલા મતથી પાછળ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રેણુકા સિંહે કોંગ્રેસના ઉમેદવાર ખેલ સાઈ સિંહને 1,57,873 મતોથી હરાવ્યા હતા.
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ દેવ સાઈ કુંકરી વિધાનસભા મતવિસ્તારથી લીડ કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય યુ.ડી.મિંજ પાછળ છે.
ચિત્રકોટ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર દીપક કુમાર બૈજને માત્ર 41 હજાર મત મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર વિનાયક ગોયલ 5 હજાર મતથી આગળ છે.
કોંટા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કાવાસી લખમાએ જીત મેળવી છે. અભાનપુર બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના ઈન્દ્રકુમાર સાહુ 15 હજારથી વધુ મતોથી જીત્યા છે.
હાલમાં કેટલીક બેઠકોના પરિણામ સામે આવી ગયા છે જ્યારે કેટલીક બેઠક પર મતગણતરી ચાલુ છે. ભાજપ 53 સીટ સાથે બહુમત તરફ આગળ વધી છે. આના પરથી એવું જ લાગે છે કે, વિધાનસભા ચૂંટણી 2023માં ભાજપ સરકારનું કમળ ખીલશે.
આ પણ વાંચો: છત્તીસગઢમાં ખેલ બદલાયો, ભાજપ 51 સીટો પર બહુમત તરફ