લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં, ગુજરાતમાં આજથી સેન્સ પ્રક્રિયા શરૂ
અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે અગાઉ 26 લોકસભા કાર્યાલયોનો પ્રારંભ કર્યો હતો. ત્યારે હવે ઉમેદવારોની સેન્સ લેવા માટેની પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર ખાતે આ પ્રક્રિયા શરૂ કરાઈ છે. ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. ત્યાર બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
ભાજપના સ્ટાર પ્રચારકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સ્થાન
રાજ્યમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. તે સિવાયની 24 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. હજી કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ નથી ત્યાં ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરી રહેલ ભાજપે 26 બેઠકો પાંચ લાખ મતોના માર્જિનથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસ તેલંગણાના પ્રવાસે જશે. તેઓ ત્યાં ભાગ્યલક્ષ્મી કસ્ટર ખાતે ચૂંટણી પ્રચાર કરશે. તેઓ ત્યાં ગુજરાતી સમાજ સાથે સંવાદ કરશે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્ટાર પ્રચારક તરીકે પસંદગી કરવામાં આવી છે.
ભાજપે કાર્યકર્તાઓ અને પેજ પ્રમુખોને સૂચનાઓ આપી
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્યમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરી રહ્યાં છે. એટલે ભાજપે ચૂંટણી પ્રચાર પુરજોશથી શરૂ કરી દીધો છે. રાજ્યમાં ભાજપે કાર્યકર્તાઓ અને પેજ પ્રમુખોને સરકારની નીતિઓ અને યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે સૂચના આપી દીધી છે. તે ઉપરાંત મુખ્યમંત્રી સહિતના કેબિનેટ મંત્રીઓને પણ વિકાસ કામોને લઈ પ્રચાર કરવા માટે આદેશ અપાયો હોવાનું ભાજપના સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃCM ભૂપેન્દ્ર પટેલ બનશે સ્ટાર પ્રચારક, 26 અને 27 ફેબ્રુઆરીએ તેલંગાણામાં પ્રચાર કરશે