ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપે વધુ બે રાજ્યના રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા

  • કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને ઓડિશાથી આપવામાં આવી ટિકિટ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: ભાજપ દ્વારા રાજ્યસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણસિંહ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર મધ્યપ્રદેશ રાજ્યમાંથી ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ઓડિશામાંથી એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને ઓડિશામાંથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે મધ્ય પ્રદેશમાંથી ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી ડો.એલ. મુરુગન, ઉમેશનાથ મહારાજ, માયાબેન નારોલિયા અને બંસીલાલ ગુર્જરના નામની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ નામાંકન માટે જયપુર પહોંચ્યાં છે. રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે આવ્યાં છે.

 

જો કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને એલ. મુરુગન ચૂંટણી જીતી જાય છે, તો તે રાજ્યસભામાં તેમનો બીજો કાર્યકાળ હશે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ રાજ્યના શાસક પક્ષ બીજુ જનતા દળ (BJD)ના સમર્થનથી ચૂંટાય તેવી શક્યતા છે, જેમ કે 2019માં પ્રથમ ટર્મ માટે ભૂતપૂર્વ IAS અધિકારીની ચૂંટણી દરમિયાન થયું હતું. ઓડિશામાં ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાશે. ભાજપે બે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઓડિશામાં બીજુ જનતા દળ (બીજેડી)ના ઉમેદવાર તરીકે દેબાશીષ સામંત્રે અને શુભાશીષ ખુંટિયાએ ઉમેદવારી પત્રો ભર્યા છે. દેબાશીષ સામંત્રે બીજેડીના ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને શુભાશીષ ખુંટિયા બીજેડીના યુવા સેલના નેતા છે.

 

મધ્ય પ્રદેશમાં ભાજપ 4 અને કોંગ્રેસ 1 સીટ જીતી શકે છે

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં સંખ્યાત્મક તાકાતની દૃષ્ટિએ ભાજપ ચાર સીટ જીતી શકે છે જ્યારે કોંગ્રેસ એક સીટ જીતી શકે છે. કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. સૂત્રોમાંથી માહિતી અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યસભામાં જવા માંગે છે પરંતુ પાર્ટીએ હજુ સુધી સત્તાવાર રીતે કોઈના નામની જાહેરાત કરી નથી. માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્ય મંત્રી મુરુગન અગાઉ મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય પણ હતા.

આવતીકાલે ગુરુવારે નોમિનેશનની છેલ્લી તારીખ

આ પહેલા ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે યુપીમાંથી સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. જે માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.

આ પણ જુઓ: સંસદમાં પસાર થયેલા પબ્લિક એક્ઝામિનેશન્સ બિલ 2024 ને રાષ્ટ્રપતિની મંજૂરી

Back to top button