ભાજપે વરૂણ ગાંધીની ટિકિટ કાપી, કોંગ્રેસના અધિર રંજને કટાક્ષ કરીને આપી ઓફર
- અધીર રંજન ચૌધરીએ વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવાની કરી ઓફર
- અધિર રંજને આરોપ લગાવ્યો કે ગાંધી પરિવાર સાથે વરુણના જોડાણને કારણે ભાજપે તેમની ટિકિટ કાપી
ઉત્તર પ્રદેશ, 26 માર્ચ: ભારતીય જનતા પાર્ટીની પાંચમી યાદીમાં પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપવામાં આવી છે. પાર્ટીએ તેમના સ્થાને ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી રહેલા જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. આના પર પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટના કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ ભાજપ પર નિશાન સાધતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર કરી છે.
અધીર રંજન ચૌધરીએ કહ્યું, ‘વરુણ ગાંધીએ કોંગ્રેસમાં જોડાવું જોઈએ. જો તેઓ કોંગ્રેસમાં જોડાશે તો અમને આનંદ થશે. વરુણ ગાંધી એક મજબૂત અને ખૂબ જ સક્ષમ નેતા છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવાર સાથેના તેમના જોડાણને કારણે ભાજપે તેમને ટિકિટ આપી નથી. અમે ઈચ્છીએ છીએ કે વરુણ ગાંધી હવે કોંગ્રેસમાં જોડાય.
વરુણ ગાંધીનું આગળનું પગલું શું હશે?
વરુણ ગાંધીને પીલીભીતથી ટિકિટ ન મળતા સોશિયલ મીડિયામાં અલગ અલગ અટકળો લોકો લગાવી રહ્યા છે. કોઈ એવું કહી રહ્યા છે કે તે કોંગ્રેસ કે અન્ય પક્ષમાં જોડાશે, તો કોઈ એવું પણ કહી રહ્યા છે કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. પરંતુ જો આપણે સૂત્રોનું માનીએ તો વરુણ ગાંધી હવે પીલીભીતથી ચૂંટણી નહીં લડે. તેમણે પોતાના નજીકના લોકોને કહ્યું છે કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને હવે તે ચૂંટણી નહીં લડે. જો કે ભાજપની યાદીમાં વરુણ ગાંધીની માતા મેનકા ગાંધીને સુલતાનપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભાજપે વિધાનસભા ચૂંટણી માટે સિક્કિમમાં નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા