બજેટની સામાન્યસભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યુ- “અમને પાલિકા કમિશ્નર ઓળખતા પણ નથી”
સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરેલા બજેટ બાદ આજે સામાન્ય સભાનો પહેલો દિવસ હતો. આ સામાન્ય સભામાં શાસક પક્ષના નેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. એને એવી ચર્ચા પણ ચાલી રહી છે. કે મ્યુનિસિપલ કમિશનર અને મેયર તાલમેલ નથી. ત્યારે સામાન્યસભામાં ભાજપના કોર્પોરેટરે એવું નિવેદન આપ્યું છે કે જેના કારણે બળતામાં ઘી હોમાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
જાણો ભાજપના કોર્પોરેટરે શુ કહ્યું
સુરત મહાનગર પાલિકા દ્વારા રજૂ કરેલા બજેટ બાદ આજે સામાન્ય સભાનો પહેલો દિવસ હતો. પહેલા જ દિવસે પાલિકા કમિશ્નર અંગેના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. ભાજપના કોર્પોરેટરે સામાન્ય સભામાં લોકોના કામો કરવામાં અધિકારીઓને કારણે પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરી હતી. જેમાં ભાજપના કોર્પોરેટર સંજ્ય દલાલે જણાવ્યું હતુ કે આજે બજેટની સામાન્યસભામાં મેયરની સાથે પાલિકા કમિશ્નનર પણ દુરથી દર્શન આપી જતા રહ્યા અમને પાલિકા કમિશનર મળતા પણ નથી અને ઓળખતા પણ નથી.
કોર્પોરેટરોમાં નારાજગી
બજેટની સામાન્યસભામાં કોર્પોરેટરોએ હૈયા વરાળ ઠાલવતા સંજય દલાલે કહ્યુ હતુ કે અમે સંસ્થાના ચૂટાયેલા પ્રતિનિધિઓ અને ટ્રસ્ટ્રીઓ છીએ અને જો અમને સાથે રાખવામાં આવશે તો સુરતનો વિકાસ થશે. અને છેલ્લા ઘણા સમયથી લોકોએ ભાજપને વોટ આપીને સુરત પાલિકાનો વહીવટ સોંપ્યો છે. ત્યારે અધિકારીઓએ તે યાદ રાખવું જોઈએ કે આ શહેરના વિકાસમાં ભાજપના તમામ નગર સેવકોનું યોગદાન છે. આમ બજેટની સામાન્યસભામાં ભાજપ કોર્પોરેટરન આ નિવેદનથી બળતામાં ઘી હોમાયા જેવી સ્થિતિ સર્જાઈ છે. અને આમ આ બધુ જોઈને લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેની આ બબાલ વધુ ઉગ્ર બની શકે છે.
મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે શીત યુદ્ધ
સુરત મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યુ છે. જાણવા મળી રહ્યું છે કે મેયરને કમિશનર જરા પણ ગાંઠતા નથી. અને મેયર દ્વારા કરવામાં આવેલાં સૂચનોને પણ કમિશનર દ્વારા ગણકારવામાં નથી આવતા. આજે સુરત મેયર દ્વારા સામાન્ય સભા પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મ્યુનિસિપલ કમિશનર અને વિરોધપક્ષના નેતા તથા કોર્પોરેટરો ગેરહાજર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી સ્પષ્ટ કરી રહી છે કે મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તાલમેલ નથી.
આ પણ વાંચો : દેવાયત ખવડની શિવરાત્રિ પણ હવે જેલમાં જશે, કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી