ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત ચૂંટણી: મુસ્લિમોને ટિકિટ આપવામાં પક્ષો કેમ પાછળ ?, જાણો- તેની પાછળના કારણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણીમાં પ્રચંડ પ્રચાર કરી રહી છે. પરંતુ, ચૂંટણીમાં ઉડીને આંખે વળગે તેવી વાત એક એવી છે કે, ચૂંટણીમાં ભાજપ હોય કૉંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી. કોઈપણ પક્ષને મુસ્લિમ સમુદાયના ઉમેદવારને ટિકિટ આપવામાં ખાસ રસ નથી. તેવું દેખાઈ રહ્યું છે.

aap, bjp and cong

 

ગુજરાતની કુલ વસ્તીમાં 9 ટકા મુસ્લિમોની સંખ્યા

વાત 1995ની કરીએ તો, વર્ષ 1995માં કોંગ્રેસે 10 કે તેથી વધુ મુસ્લિમ ઉમેદવાર તે સમયની વિધાનસભા ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા. તો, બીજી તરફ ભાજપના ઈતિહાસમાં એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર 24 વર્ષ પહેલા ચૂંટણી લડ્યો હતો. એવામાં આ ચર્ચાનો વિષય છે કે ગુજરાતમાં અહેમદ પટેલ જેવા ચાણક્ય થયા, જ્યાં 9% વસ્તી મુસ્લિમ છે, ત્યાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં દરેક રાજકીય પક્ષ પાછળ કેમ રહે છે.

2022ની ચૂંટણીમાં શું છે સ્થિતિ ?

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના 140 ઉમેદવારમાંથી માત્ર 6 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપના 178 ઉમેદવારમાંથી એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ અપાઈ નથી. કોંગ્રેસ લઘુમતી સેલે આ વખતે મુસ્લિમ ઉમેદવારો માટે 11 ટિકિટની માંગ કરી હતી.

મહત્વનું છે કે, સૌથી વધુ 17 મુસ્લિમ ઉમેદવાર કોંગ્રેસે વર્ષ 1980માં મેદાનમાં ઉતાર્યા હતા. આ તે સમય હતો જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમનું ચૂંટણી સમીકરણ રજૂ કર્યુ હતુ. આ 17માંથી 12 ઉમેદવાર ત્યારે જીત્યા હતા. જોકે, આ કોંગ્રેસે 1985માં 11 મુસ્લિમોને ટિકિટ આપી હતી જેમાંથી 8 ચૂંટાયા હતા.

ટિકિટ ન આપવામાં હારનું ફેક્ટર જવાબદાર

1990ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રામ જન્મભૂમિ અભિયાને હિન્દૂત્વની રાજનીતિનો રસ્તો ખોલ્યો હતો, ત્યારે ભાજપ અને જનતા દળે કોઇ મુસ્લિમ કેન્ડિડેટને ઉતાર્યો નહતો પણ કોંગ્રેસે 11 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી જેમાંથી માત્ર બે જ ઉમેદવાર જીતી શક્યા હતા. તે બાદ 1995માં કોંગ્રેસે 10 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી અને કોઇ પણ જીતી શક્યુ નહતુ. આ વર્ષે માત્ર ઉસ્માનગની દેવડિવાલા વિધાનસભામાં પહોચ્યા હતા પણ તે અપક્ષ ચૂંટણી લડીને જીત્યા હતા.

aap
aap

1998માં ભાજપે આપી મુસ્લિમને ટિકિટ

ભાજપે 1998માં પ્રથમ વખત ભરૂચ જિલ્લાની વાગરા બેઠક પર એક મુસ્લિમ કેન્ડિડેટ અબ્દુલગની કુરૈશીને ટિકિટ આપી હતી પણ તે ચૂંટણી હારી ગયા હતા, ત્યારથી અત્યારસુધી ભાજપે કોઇ મુસ્લિમને ટિકિટ આપી નથી.

કોંગ્રેસની વાત કરવામાં આવે તો 2002માં થયેલા ગોધરા કાંડ બાદ રાજનીતિનું એવુ ધ્રુવીકરણ થયુ કે કોંગ્રેસે પણ મુસ્લિમોને ટિકિટ આપવાનું ઓછુ કરી નાંખ્યુ. 2002માં કોંગ્રેસે માત્ર પાંચ મુસ્લિમોને ટિકિટ આપી હતી અને એ પછીથી આ સંખ્યા ક્યારેય છથી આગળ વધી શકી નથી.

ટિકિટમાં કાપનું શું છે કારણ ?

ભારતીય જનતા પાર્ટી માને છે કે મુસ્લિમ કેન્ડિડેટની જીતની શક્યતા ઓછી રહે છે. પાર્ટીના લઘુમતી સેલના અધ્યક્ષ મોહસીન લોખંડવાલા કહે છે, અનામત બેઠકને છોડી દઇએ તો ભાજપ ટિકિટ આપતા સમયે માત્ર જીતની સંભાવનાને ધ્યાનમાં રાખે છે, પછી તે વિધાનસભા ચૂંટણી હોય કે મહાનગરપાલિકાની ચૂંટણી. જોકે, સ્થાનિક ચૂંટણીમાં મુસ્લિમ વસ્તી ધરાવતા વૉર્ડમાં જરૂર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે છે.

બેઠકની સમીકરણોના આધારે કોંગ્રેસમાં મુસ્લિમોને ટિકિટ

જ્યાં સુધી કોંગ્રેસમાં મુસ્લિમોને ટિકિટ આપવામાં આળસનો સવાલ છે તો ખાડિયા-જમાલપુર બેઠકના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કહે છે કે રાજકીય પક્ષ કોઈપણ બેઠકના સમીકરણો જોઈને ઉમેદવારની જીતની શક્યતાઓ ચકાસી લે છે. કોંગ્રેસ લઘુમતીઓને ટિકિટ આપે છે પરંતુ તે સ્થાનિક સમીકરણો પર નિર્ભર છે. ખેડાવાલા પોતે જે બેઠક પરથી ધારાસભ્ય છે તે બેઠક પર મુસ્લિમોની વસ્તી 61% છે.

વર્તમાન વિધાનસભાની વાત કરીએ તો સદનમાં કોંગ્રેસના ત્રણ મુસ્લિમ ધારાસભ્ય છે. જેમાં ઈમરાન ખેડાવાલા સિવાય દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ અને વાંકાનેરથી જાવેદ પીરજાદા ધારાસભ્ય છે. કોંગ્રેસે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પણ આ ત્રણ ધારાસભ્યોને ફરી ટિકિટ આપીને રિપીટ કર્યા છે.

Back to top button