ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

છ જૂને ભાજપના મુખ્યપ્રધાન નક્કી થશે, 10 જૂને શપથ લેશેઃ વડાપ્રધાને કયા રાજ્ય માટે આવું કહ્યું?

ગંજમ (ઓડિશા), 06 મે 2024: લોકસભા ચૂંટણી માટે ભાજપનો ધુંઆદાર પ્રચાર ચરમ પર છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશા પહોંચ્યા છે. જ્યાં ગંજમમાં જાહેર સભામાં પીએમ મોદીએ દાવો કર્યો કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવશે. છ જૂને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવારનો નિર્ણય થશે. સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ગઈકાલે હું પ્રભુ રામની નગરી અયોધ્યામાં હતો ત્યાં મેં અયોધ્યાના દર્શન કર્યા, આજે હું પ્રભુ જગન્નાથની ભૂમિ પર છું અને તેમના આશીર્વાદ લેવા આવ્યો છું.

પીએમ મોદીએ કહ્યું કે, ભાજપા જે કહે છે તે કરીને દેખાડે છે. અહીં સરકાર બન્યા બાદ અમે પૂરી તાકાત લગાવીને તમામ વચનોને પૂરા કરીશું. વડાપ્રધાને કહ્યું કે ઓડિશામાં એક સાથે બે યજ્ઞ થઈ રહ્યા છે. પ્રથમ ભારતમાં મજબૂત સરકાર રચવા માટે અને બીજી રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની મજબૂત સરકાર બનાવવી. મહત્ત્વનું છે કે, ઓડિશામાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે.

શું કહ્યું પીએમ મોદીએ?

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 4 જૂન બીજેડી સરકારની એક્સપાયરી ડેટ છે. આજે છ મે છે અને છ જૂને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવારનો નિર્ણય થશે, 10 જૂને ભુવનેશ્વરમાં ભાજપ પાર્ટીના મુખ્યમંત્રી પદનો શપથ સમારોહ યોજાશે. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે હું ઓડિશા ભાજપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઓડિશાની આકાંક્ષાઓ, અહીંના યુવાનોના સપનાઓ અને અહીંની દીકરી-બહેનોના સામર્થ્યને ધ્યાનમાં રાખીને ઓડિશા ભાજપે વિઝનરી સંકલ્પ પત્ર બહાર પાડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે ભાજપ જે કહે છે તેને પૂર્ણ કરવામાં માને છે. સરકાર બન્યા બાદ અમે મેનિફેસ્ટોમાં સમાવિષ્ટ વચનોને અમલમાં મૂકવા માટે પૂરી તાકાતથી કામ કરીશું.

પીએમ મોદીએ ઓડિશાની જનતા પાસે મોકો માંગ્યો

રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જેમ ત્રિપુરાને 30 વર્ષથી વધુ સમયના સામ્યવાદી અને કોંગ્રેસના શાસને બરબાદ કરી દીધું હતું. ત્યાંના લોકોએ ભાજપને જીતાડ્યો અને પાંચ વર્ષમાં લોકોએ ઘણું કામ કર્યું અને હવે ત્રિપુરા તેજ ગતિથી વિકાસ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ કાયદો અને વ્યવસ્થા માટે કુખ્યાત બન્યું હતું, અમને મોકો મળ્યો અને યોગીજી રાજ્યની કમાન સોંપી અને આજે ઉત્તર પ્રદેશ વિકાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: સપા અને કોંગ્રેસ તેમના બાળકોના ભવિષ્ય માટે ચૂંટણી લડી રહ્યા છે: પીએમ મોદી

Back to top button