વઢવાણ બેઠક ઉપર ભાજપે બદલ્યા ઉમેદવાર, જાણો કેમ ?


સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર બદલવાની ફરજ પડી છે. ભાજપે અહીં જાહેર કરેલ મહિલા બ્રાહ્મણ ઉમેદવારના બદલે હવે દલવાડી સમાજના આગેવાનને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણી ફોર્મ ભરવાની અંતિમ તારીખને હવે વધુ સમય રહ્યો નથી. જેથી છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાવવાના કારણે અહીં ચૂંટણી રણનીતિમાં ભાજપ થાપ ખાઈ શકે છે.

જીજ્ઞા પંડ્યાએ ઉમેદવારી માટે અનિચ્છા દર્શાવી, મોવડી મંડળને લખ્યો પત્ર
સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક ઉપર ભાજપે જીજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપી હતી. પરંતુ જીજ્ઞા પંડ્યાએ પોતે ચૂંટણી લડવા માટે અસમર્થ હોવાનું જણાવી પ્રદેશ તેમજ રાષ્ટ્રીય મોવડી મંડળને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે ઉમેદવારી માટે વડાપ્રધાનના આભાર સહ ઉમેદવારી માટે પોતાની અનિચ્છા દર્શાવી છે. તેમણે જણાવ્યુ કે હુ જીજ્ઞા પંડ્યા ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છુ. છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનુ કાર્ય કરુ છુ. મને વઢવાણ વિધાનસભાના ઉમેદવાર તરીકે યોગ્ય સમજી તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરુ છુ અને જીવનભર ભારતીય જનતા પાર્ટીનુ કામ કરવાની છુ. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને મારા બદલે બીજા કોઈ કાર્યકર્તાને વઢવાણ વિધાનસભાની ઉમેદવારી કરવાની તક આપો તેવી હુ વિનંતી કરુ છુ.

દલવાડી સમાજના આગેવાન અને જિલ્લા ભાજપ પ્રમુખને તક
ઉલ્લેખનીય છે કે, વઢવાણ બેઠક ઉપરથી ભાજપે જીજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપી હોવા છતાં તેઓએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા ભાજપે તેના બદલે દલવાડી સમાજના આગેવાન અને જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને તક આપી છે. આવતીકાલે તેઓ ચૂંટણી ફોર્મ ભરીને પ્રચાર શરૂ કરશે તેવું જાણવા મળ્યું છે.