વાયનાડથી ભાજપના ઉમેદવાર કે. સુરેન્દ્રન સામે 242 કેસ દાખલ, રાહુલ ગાંધી સામે લડશે ચૂંટણી
કોચી (કેરળ), 30 માર્ચ: ભાજપે વાયનાડ લોકસભા સીટ પરથી કે. સુરેન્દ્રનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ અહીં રાહુલ ગાંધીને સામે લડશે. કે. સુરેન્દ્રન કેરળ ભાજપના અધ્યક્ષ પણ છે. ન્યૂઝ એજન્સી જણાવ્યા અનુસાર, તેમની સામે 242 અપરાધિક કેસ છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સુરેન્દ્રને તાજેતરમાં પક્ષના મુખપત્રમાં તેમની સામે નોંધાયેલા ગુનાહિત કેસોની વિગતો પ્રકાશિત કરી હતી. એ જ રીતે ભાજપના એર્નાકુલમના ઉમેદવાર કે. એસ રાધાકૃષ્ણન વિરુદ્ધ લગભગ 211 ગુનાહિત કેસ નોંધાયેલા છે.
બીજેપીના અન્ય ઉમેદવારો પર પણ કેસ દાખલ
બીજેપીના પ્રદેશ મહાસચિવ જ્યોર્જ કુરિયને આ વિશે કહ્યું કે, ‘મોટાભાગના મામલા 2018માં સબરીમાલા વિરોધ સાથે જોડાયેલા છે. મોટાભાગના કેસ કોર્ટમાં છે. જ્યારે પાર્ટીના નેતાઓ હડતાળ અથવા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે પોલીસે કેસ નોંધ્યા હતા. મહત્ત્વનું છે કે, ચૂંટણી પંચના નવા નિયમો અનુસાર, ઉમેદવારો માટે કોઈપણ અખબાર અથવા મેગેઝિનમાં તેમની સામે નોંધાયેલા અપરાધિક કેસોની વિગતો પ્રકાશિત કરવી ફરજિયાત છે.
સુરેન્દ્રન સામે દાખલ 237 કેસ સબરીમાલા વિરોધ સાથે સંબંધિત
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષે શુક્રવારે ટ્વિટ કરીને સુરેન્દ્રન, રાધાકૃષ્ણન, પાર્ટીના અલપ્પુઝા ઉમેદવાર શોભા સુરેન્દ્રન અને વાટાકરાના ઉમેદવાર પ્રફુલ્લ કૃષ્ણ વિરુદ્ધના કેસની વિગતો આપી હતી અને કહ્યું હતું કે ‘ભારતના કેટલાક ભાગોમાં રાષ્ટ્રવાદી બનવું મુશ્કેલ છે. તે રોજિંદા સંઘર્ષ છે, પરંતુ તે સંઘર્ષને યોગ્ય છે.’ ભાજપના પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રન સામેના કેસોની સંખ્યાની વિગતો આપતા જ્યોર્જ કુરિયને જણાવ્યું હતું કે 237 કેસ સબરીમાલા વિરોધ સાથે સંબંધિત છે, જ્યારે પાંચ કેરળમાં વિવિધ ચળવળોના સંબંધમાં નોંધાયેલા છે.
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને પ્રદર્શન કરાયું હતું
ઉલ્લેખનીય છે કે, 2018માં ભાજપે પથાનમથિટ્ટા જિલ્લામાં પહાડીની ટોચ પર આવેલા સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કરવાના કેરળ સરકારના નિર્ણય સામે રાજ્યવ્યાપી વિરોધનું આયોજન કર્યું હતું. જો કે, અન્ય પક્ષના ઉમેદવારોના કેસની વિગતો હજુ બહાર આવી નથી.
આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર 5 ઉમેદવારની કરી 9મી યાદી