કચ્છ રાપરના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહે કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈને યોગ્ય પ્રોટેક્શન આપવાની માગ કરી
રાપરઃ કચ્છના રાપરના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવારને યોગ્ય પોલીસ પ્રોટેક્શન મળી રહે તેવી માગ કરી છે. હરીફ ઉમેદવારને રક્ષણ આપવાની માગ કરવામાં આવતા ચૂંટણીના ગરમાવા વચ્ચે લોકોને આશ્ચર્ય થયું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠિયાને પોલીસ રક્ષણ આપવાની માંગ ભાજપના જ ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ કરતા જ સ્થાનિક રાજકારણમાં અવનવી ચર્ચા શરૂ થઈ છે.
કોંગ્રેસના ઉમેદવાર સાથે થઈ હતી ગેરવતર્ણૂંક
શનિવારે લોકસંપર્કમાં નીકળેલા કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠિયાના કાફલાનો બે બાઈક સવા૨ યુવકોએ પીછો કરી, ગંદી ગાળો બોલી ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતની જાણ થતાં પોલીસ એક્ટિવ થઈ હતી. જો કે, ભચુ આરેઠિયાએ આ બનાવને વિરોધી જૂથના કરતૂતમાં ખપાવી બીજી કોઇ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.
ભાજપના ઉમેદવારે લખ્યો પત્ર
બીજી તરફ, ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ પૂર્વ કચ્છ એસપીને પત્ર લખી કોંગ્રેસના ઉમેદવાર જીત્યા બાદ પાંચ વર્ષ નિષ્ક્રિય રહ્યા હોઈ તેમની સામે વિવિધ ગામોમાં ભયંકર આક્રોશ પ્રવર્તી રહ્યો છે તેથી તેમને પોલીસ રક્ષણ આપવા રજૂઆત કરી હતી. પત્રમાં શંકા વ્યક્ત કરી છે કે હાર ભાળી ગયેલા કોંગ્રેસ ઉમેદવાર પોતે જ પોતાના ૫ર હુમલો કરાવી તેનું આળ અમારા પર નાખવાની ગંદી રાજનીતિ કરી શકે છે!
ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના પત્ર સંદર્ભે આરેઠીયાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ‘ભાજપ ઉમેદવારના માણસો હુમલા કરાવે છે અને મને પોલીસ રક્ષણ આપવાની રજૂઆતોના બહાને બચાવ પ્રયુક્તિઓ કરે છે. પણ હું ક્યારેય ડર્યો નથી, કફન બાંધીને જ નીકળ્યો છું’.