વેજલપુર બેઠક પર ફરી લહેરાશે કેસરિયો, ઉમેદવાર અમિત ઠાકરનો જોશ હાઈ
છેલ્લા 22 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી માટે અમદાવાદની વેજલપુર બેઠક ખૂબ જ ખાસ છે. ભાજપે વેજલપુર બેઠક પર સિટિંગ ધારાસભ્ય કિશોર ચૌહાણનું પત્તુ કાપી અમિત ઠાકરને ટિકિટ આપી છે. વિદ્યાર્થી નેતાથી પોતાની કારકિર્દી શરૂ કરનારા અમિત ઠાકરે વેજલપુર બેઠક પરથી ભારે લીડથી જીતનો દાવો કર્યો છે.
અમદાવાદમાં વેજલપુરથી ભાજપના ઉમેદવાર અમિત ઠાકર શૈક્ષણિક ધોરણે જાગૃતિના ઘણાં કર્યો કરતા રહે છે. અમિત ઠાકર લાંબા સમયથી યુવાનોના જાગૃત કરવા માટેના ઘણાં કાર્યક્રમો કરતાં રહે છે. અમિત ઠાકર ભાજપના યુવા વિંગના રાષ્ટ્રીય મહામંત્રીથી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીનું નેતૃત્વ કરી ચુક્યા છે. તેમજ વૈશ્વિક સ્તરે પણ અમિત ઠાકરે ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપીના કાર્યક્રમમાં સંયોજક તરીકે કામગીરી કરેલી છે.
આ પણ વાંચો : ફર્સ્ટ ટાઈમ વોટરને જાગૃત કરવા માટે ભાજપના અમીત ઠાકરની અનોખી પહલ
ભાજપે જીતેલી બેઠક પર કોંગ્રેસ અને આપના ઉમેદવાર
વેજલપુર વિધાનસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કલ્પેશ પટેલ ચૂંટણી લડવાના છે. બંને ઉમેદવાર એક બીજાના સગા મામા ફોઈના દીકરા છે. બંને ભાઈઓ પારિવારિક સંબંધ ખૂબ જ સારા છે. બંને ઉમેદવારોથી વેજલપુરના સ્થાનિકો પરિચિત છે. રાજેન્દ્ર પટેલને રાજુભાઇ તો કલ્પેશ પટેલને ભોલાભાઈ તરીકે લોકો ઓળખે છે. બંને ભાઈ આમ તો ભાજપની જીતેલી બેઠક પરથી જ ચૂંટણી લડવાના છે.
વેજલપુર વિધાનસભા બેઠક
ગાંધીનગર સંસદીય/લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે. અમદાવાદ શહેરની વેજલપુર બેઠક ભાજપ માટે ગઢ ગણાય છે. મુસ્લિમ અને ઓબીસી મતદારોનો પ્રભૂત્વ ગણાતી આ બેઠક સેમી અર્બન તરીકે ગણાય છે. ઉલ્લેખનીય છે કે નવા સિમાંકન બાદ સરખેજ બેઠકથી અલગ થઈ છે.
વોટબેંકનું જ્ઞાતિગત ગણિત
વેજલપુર વિધાનસભામાં 3,90,000 મતદારો છે. 1,35,000 માઈનોરિટી મતદાર છે. 28,000 પાટીદાર મતદાર, 35,000 દલિત મતદારો, 35,000 બ્રાહ્મણ મતદારો, 30,000 જૈન મતદારો, 90,000 ઓબીસી મતદારો તથા 37,000 અન્ય મતદારો છે. 2017ની ચૂંટણીમાં ભાજપના કિશોર ચૌહાણ 22,000 લીડથી વેજલપુર વિધાનસભા પરથી જીત્યા હતા.