ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પોરબંદરમાં જીતની હેટ્રિક લગાવી શકશે ભાજપ, જાણો 2 બેઠકનું રાજકીય ગણિત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પણ યોગ્ય મૂરતિયાઓની પસંદગી કરવા લાગ્યા છે. ગુજરાતમાં લગભગ છેલ્લાં ત્રણ દશકાથી ભાજપની જ સરકાર છે. મોટા ભાગે અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળે છે. ગુજરાતમાં આજ દિવસ સુધી તો ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે અહીં આમઆદમી પાર્ટી પણ સામે આવી છે, જે ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમીકરણ બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.

વાત કરીએ પોરબંદર જિલ્લાની…. આ જિલ્લામાં વિધાનસભાની 2 સીટ આવે છે. પોરબંદર અને કુતિયાણા

1) પોરબંદરઃ    
પોરબંદર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 83મા નંબરની બેઠક છે. આ બેઠક પોરબંદર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે. પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે. અહીં ગાંધીજીનું સ્મારક કીર્તિમંદિર તૈયાર કરવામાં આવ્યું છે.

રાજકીય સમીકરણ
પોરબંદરની બેઠક કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા અને ભાજપના બાબુ બોખિરિયા વચ્ચે હંમેશા પ્રતિષ્ઠાના જંગ સમી ચૂંટણી લડાય છે. આ બેઠક પર અર્જૂન મોઢવાડિયા અને બાબુ બોખિરિયા વચ્ચે ત્રણ વખત ચૂંટણી જંગ ખેલાયો છે.જેમાં 2007માં અર્જૂન મોઢવાડિયાનો વિજય થયો હતો, જ્યારે 2012 અને 2017માં બાબુ બોખિરિયા ચૂંટણી જીત્યા છે. વર્ષ 2007માં ભાજપ તરફથી મહિલા ઉમેદવાર શાંતાબેન ઓડેદરાને ઉતારવામાં આવ્યા હતા મોઢવાડીયા આ વખતે પણ જીત્યા હતા.

વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: દેવભૂમિ દ્વારકાની બે સીટ પર શું છે ચૂંટણી સમીકરણ, આ બેઠક પર પક્ષ નહીં વ્યક્તિ છે મજબૂત

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 9 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. આ બેઠક પર અર્જૂન મોઢવાડિયા અને બાબુ બોખિરિયા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળતો હોય છે.

2017ની ચૂંટણીમાં ભાજપના બાબુ બોખિરિયાનો 1855 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 72430 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયાને 70575 મત મળ્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

પોરબંદર બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
પોરબંદર વિસ્તાર દરિયાઈ કાંઠાનો વિસ્તાર હોવાથી અહીં માછીમાર સમુદાયના લોકો લગભગ 70 હજાર છે. જે દરેક ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થાય છે. આ ઉપરાંત અહીં બ્રાહ્મણ અને લોહાણા સમુદાયની સંખ્યા 50 હજાર અને 20 હજાર જેટલી છે. આ બંને વર્ગના મત પણ ઘણાં જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

2) કુતિયાણાઃ
કુતિયાણા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 84મા નંબરની બેઠક છે. આ બેઠક પોરબંદર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે. આ બેઠકમાં કુતિયાણા તાલુકો, રાણાવાવ તાલુકો અને પોરબંદર તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજકીય સમીકરણ
કુતિયાણા બેઠક પર એક સમયે કોંગ્રેસનો દબદબો હતો. 1998માં કરશન ઓડેદરા આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ભાજપના ખાતામાં આ બેઠક આવી હતી. 1998થી સળંગ ત્રણ ટર્મ સુધી તેઓ આ બેઠક પરથી વિજયી થયા હતા. જોકે 2012માં સંતોકબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજાએ ભાજપ અને કરશન ઓડેદરાના વિજયરથને અટકાવ્યો હતો. આ એક એવી સીટ છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પંરતુ સતત બે ટર્મથી NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

કુતિયાણા બેઠક એક સમયે ભાજપનો ગઢ હતી પરંતુ છેલ્લી બે ટર્મથી એનસીપીના કાંધલ જાડેજા આ બેઠક પરથી વિજયી થાય છે.

2017માં કાંધલ જાડેજાનો 23709 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 59406 મત મળ્યા હતા.

કુતિયાણા મતવિસ્તારમાં સંતોકબેન જાડેજા અને સરમણ મુંજાના પુત્ર કાંધલ જાડેજા NCPની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. કાંધલ જાડેજા સામે અનેક ગુનાઓ દાખલ થયેલા છે.

સંતોકબેન જાડેજા વર્ષ 1990માં વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી જનતા દળ પક્ષમાંથી ઉભા રહ્યા હતા બહુમતીથી જીત્યા હતા. ગોડમધર સંતોકબેન સામે તેમની ગુનાખોરીને લઈને આકરી કાર્યવાહી શરૂ કરતાં તેઓ પોરબંદર છોડીને રાજકોટ આવી ગયા હતા.

વર્ષ 1995માં સરમણ મુંજાના ભાઈ ભુરા મુંજા જાડેજાએ કુતિયાણા બેઠક જીતી હતી અને થોડા વર્ષો બાદ જાહેર જીવનમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

1990થી 2007 સુધી ભાજપમાંથી કુતિયાણા બેઠક કરસન દુલા ઓડેદરાનો વિજય થયો હતો. કરસન દુલા ઓડેદરા ભીમા દુલા ઓડેદરાનો ભાઈ છે. ભીમા દુલા ઓડેદરાના પિતરાઈ ભાઈ બાબુ બોખીરીયાનું રાજકીય વર્ચસ્વ વધતા ભીમા ઓડેદરાને તેનો ફાયદો થતો હતો.

વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: શું જુનાગઢમાં ભાજપ પોતાનો ગઢ પાછો મેળવશે કે કોંગ્રેસ જ બાજી મારશે?

ભીમા દુલા ઓડેદરા અને બાબુ બોખીરીયા પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ વિસ્તારમાં ચૂનાનો પથ્થર અને બોકાસાઈટ, ચોકની કિંમતી ખાણો પર કબજો જમાવી દીધો હતો.

ગુજરાત હાઈકોર્ટે ભીમા દુલા ઓડેદારાએ 2004માં કરેલી બેવડી હત્યાના કેસમાં ગુનેગાર જાહેર કર્યો હતો અને તેને આજીવન કેદની સજા આપવામાં આવી છે. આ એક એવો કેસ છે કે જેમાં ઓડેદરાને સજા થઈ છે. જેના કારણે પોરબંદરમાં બાબુ બોખીરીયા અને કુતિયાણામાં લક્ષ્મણ ઓડેદરાની ખરાબ છાપ ઊભી થતા તેમણે વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ બેઠક પર મતદારોની સંખ્યા

કુતિયાણા બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
કુતિયાણા વિધાનસભા બેઠક પર મહેર જ્ઞાતિ અને ત્યારબાદ કોળી જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ વધુ છે.

Back to top button