હિમાચલમાં ફરી ‘ખિલશે કમળ’ ! જાણો-ઓપિનિયન પોલમાં કોને-કેટલી સીટ ?
હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના C વોટર્સના ઓપિનિયન પોલમાં ભાજપ ફરી એક વાર સત્તા હાંસલ કરે એવાં એંધાણ છે. ઓપિનિયન પોલ અનુસાર ભાજપને 38થી 46 સીટ મળવાની વકી છે, જ્યારે કોંગ્રેસને 20-28 સીટોની શક્યતા છે. આમ આદમી પાર્ટીને 0-1 સીટ બેઠક મળવાની શક્યતા છે. જ્યારે અન્યને ફાળે 0-3 બેઠકો જાય એવી ધારણા છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 12 નવેમ્બરે થશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ચૂંટણી પંચે શુક્રવારે ચૂંટણી કાર્યક્રમની ઘોષણા કરી હતી. 68 સીટોવાળી વિધાનસભામાં હાલ ભાજપ બહુમતીમાં છે.
રાજ્યમાં આવનારી ચૂંટણીમાં ભાજપના મતની ટકાવારી 2017ની તુલનાએ 48.8 ટકાથી ઘટીને 46 ટકા થશે, જ્યારે કોંગ્રેસની ટકાવારી 41.7 ટકાથી ઘટીને 35.2 ટકા થશે. આપ પાર્ટીની મત ટકાવારી વધીને 6.3 ટકા થશે, જ્યારે અન્યોનો મત ટકાવારીનો હિસ્સો વધીને 12.5 ટકા થશે.
આ સર્વે પહેલી ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમ્યાન કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 18 વર્ષથી વધુ વયના મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને બધા વર્ગોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સર્વેમાં રાજ્યની 68 સીટોને આવરી લેવામાં આવી હતી. આ સર્વેમાં 6245 ઉત્તરદાત્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
હિમાચલ વિધાનસભાનો કાર્યકાળ આઠ જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. તેમાં 20 બેઠકો અનામત છે. 17 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને ત્રણ બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે. 2017માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી.