ભાજપ દ્વારા રાજ્યસભાના બંન્ને ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. જેમાં બાબુ દેસાઈ અને કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર થયું છે.
રાજ્યસભાની બે બેઠકોના નામો થયા જાહેર
રાજ્યસભાની ચૂંટણીને લઇને બે ઉમેદવારના નામ ભાજપે જાહેર કરી દીધા છે. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપે આજે રાજ્યસભાની ચૂંટણી માટે બે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભાજપે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ઓબીસી સમુદાયના બાબુ દેસાઈને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે.જ્યારે બીજી સીટ પર કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર થયું છે.
આવતી કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
મહત્વનું છે કે ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે 27મી જૂને રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. જે મુજબ ત્રણ બેઠકો માટે ચૂંટણી આગામી 24મી જૂલાઈએ યોજાશે. અને ઉમેદવારો માટે 13મી જૂલાઈએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ફોર્મ ભરાયા બાદ 14મી જૂલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 14મી જૂલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. જાણકારી મુજબ રાજ્યસભાની આ ત્રણેય બેઠક ભાજપને જ મળશે કેમકે કોંગ્રેસ તરફથી કોઇ ફોર્મ ભરવામાં નહીં આવે.
જાણો કોણ છે કેસરીસિંહ ઝાલા?
કેસરીસિંહ વર્તમાન સમયમાં ભાજપ સાથે જોડાયેલા છે. વાંકાનેરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કાર્યરત રહેલા છે.તેમજ કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમા ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ હાલ મંબઈમાં રહે છે. કેસરીસિંહના દીકરાના લગ્નમાં મોદીએ હાજરી પણ આપી હતી. તેમજ કેસરીસિંહ વડોદરા સ્ટેટના મહારાણી રાધિકા રાજેના ભાઈ પણ થાય છે.
જાણો બાબુભાઇ દેસાઈ કોણ છે ?
બાબુભાઇ દેસાઈ ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ ઊંઝાના રહેવાસી છે. તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહ્યા છે. અને તેમની પોતાની એક લોકપ્રિયતા છે.જેના કારણે તેમને કમિટેડ કાર્યકર્તા માનવામાં આવે છે. આ સાથે બાબુભાઈ દેસાઈની બિલ્ડર લોબીમાં પણ આગવી ઓળખ છે આ ઉપરાંત આ સમૃદ્ધ નેતાએ 2022 વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લડવાની તૈયારી દર્શાવી હતી પરંતુ કોઈ કારણોસર તેમને ટિકિટ અપાઈ નહોતી ત્યારે ભાજપે તેમને રાજ્યસભા ની ચૂંટણી મેદાનમાં ઉતારી તેમની વર્ષો જૂની માંગ સંતોષી હોવાનું સૂત્રો ચરચી રહ્યા છે.
આ પણ વાંચો : ખેડા : વાત્રક નદીમાં ઘોડાપૂર આવતા નિર્માણાધીન બ્રીજનું સ્ટ્રકચર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું