- ભાજપ દ્વારા હેલ્પ લાઇન નંબર 079- 23276943 તેમજ 079-23276944 શરૂ કરાયો
અમદાવાદ, 28 ઓગસ્ટ 2024, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી જરૂરી માહિતી મેળવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસી કાર્યકર્તાઓને પૂરગ્રસ્ત લોકોની મદદ કરવા અપીલ કરી છે. બીજી તરફ ભાજપે પણ રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે.
મેઘ મહેરથી ઘણા જીલ્લાઓ અસરગ્રસ્ત થયા
છેલ્લા ત્રણ દિવસથી રાજયમા મેઘ મહેરથી ઘણા જીલ્લાઓ અસરગ્રસ્ત થયા છે અને વધુ પડતા વરસાદના કારણે ઘણા પરિવારજનોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઇ જવાનો પ્રયાસ કરવાની ફરજ પડી છે. રાજય સરકાર સતત સ્થિતિની માહિતી લઇ જરૂરીયાત મંદોને મદદ પહોંચડાવાનુ કામ કરી રહી છે તેમજ ઘણા અસરગ્રસ્ત જીલ્લામા લોકોની સહાય માટે NDRF-SDRF સહિત કેન્દ્રની એજન્સીઓની ટીમ પણ કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામા આવી છે.
ભાજપે હેલ્પ લાઇનની શરૂઆત કરી
રાજયમા હાલની સ્થિતિને પગલે ભાજપા પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે પણ અસરગ્રસ્ત વિસ્તારમા લોકોની સહાય માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા હેલ્પ લાઇનની શરૂઆત કરી છે જેનો નંબર 079- 23276943 તેમજ 079-23276944 છે. ભાજપાના કાર્યકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તારમા જરૂરીયાત મંદ પરિવારની મદદને આવે તે માટે પણ પ્રદેશ અધ્યક્ષે સૂચના આપી છે. જે જીલ્લામા ભારે વરસાદ વરસી રહ્યો હોય ત્યા નાગરીકો બીન જરૂરી બહાર જવાનુ ટાળે તેવી વિનંતી પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વિનંતી કરી છે.
આ પણ વાંચોઃજામનગરમાં MP પૂનમબેન અને MLA રીવાબા પુરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા, 50 લોકોનું રેસ્ક્યૂ