નવી દિલ્હીઃ તવાંગના મુદ્દે આજે સંસદમાં ફરી હોબાળાની શક્યતા છે. વિપક્ષી દળ સતત સરકાર વિરૂદ્ધ પ્રહારો કરી રહી છે અને આ મુદ્દે સંસદમાં ચર્ચાની માગ કરી રહ્યાં છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પછી સત્તા પક્ષ પણ આક્રમક જોવા મળી રહ્યું છે. એવામાં સંસદમાં આજે જોરદાર હોબાળાની શક્યતા છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, પરંતુ ભારત સરકારની સ્થિતિની ગંભીરતાને સમજ્યા વગર ગાઢ નિંદ્રામાં છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ચીનની તૈયારી માત્ર ઘૂસણખોરી માટે નથી પરંતુ પૂર્ણ રીતે યુદ્ધ માટેની હતી. વિપક્ષના સાંસદ બંને ગૃહમાં તવાંગ મુદ્દે ચર્ચા ઉપરાંત સહકારી સમિતિ બિલને સ્થાયી સ્મિતિને મોકલવાનો આગ્રહ કરી રહ્યાં છે.
લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ
અરુણાચલ પ્રદેશના તવાંગમાં થયેલી અથડામણ બાદ વિપક્ષની રણનીતિ લદ્દાખમાં કથિત ચીની સૈનિકોની ઘૂસણખોરી મુદ્દે સરકારને ઘેરવાની છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ચીનની સાથેની સરહદ અંગે લોકસભામાં ચર્ચા કરવા માટે સ્થગમ પ્રસ્તાવની નોટિસ આપી છે. તો કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ રાજ્યસભામાં નિયમ 267 અંતર્ગત સસ્પેન્શન ઓફ બિઝનેસ નોટિસ આપી છે.
કોંગ્રેસ વડાપ્રધાન મોદી પર ચીનને લગત સરહદ પર સતત સંસદમાં ચર્ચાથી ભાગતા રહેવાનો આરોપ કરે છે. તવાંગ મુદ્દો સામે આવ્યા બાદ વિપક્ષ સતત હોબાળો કરી રહ્યું છે.
ભાજપ પણ આક્રમક
ભાજપે અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચેની અથડામણને લઈને રાહુલ ગાંધી પર શનિવારે શાબ્દિક પ્રહારો કર્યા. ભાજપે કહ્યું કે કોંગ્રેસે તેમને તાત્કાલિક ધોરણે પાર્ટીમાંથી બહાર કરી મુકવા જોઈએ.
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર ચીન અને પાકિસ્તાનની ભાષા બોલવાનો આરોપ લગાવ્યો. નડ્ડાએ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે ફરીથી આપણાં સશસ્ત્ર દળનું મનોબળ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ચીનના નામે ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસનો સરકાર પર આરોપ
કોંગ્રેસે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિક વચ્ચે થયેલી અથડામણની ઘટના પર વડાપ્રધાન મોદી પર ફરી એકવખત નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે છેલ્લાં 100 દિવસથી લોકોની આશા અને આંકાક્ષાઓને સાંભળતા પદયાત્રા કરી રહેલા રાહુલ ગાંધી પર પ્રહારો કરીને ધ્યાન ભટકાવવાની રાજનીતિ બંધ કરો અને ચીન સાથે જોડાયેલાં સવાલો પર જવાબ આપો. મુખ્ય વિપક્ષી દળે એવો સવાલ પણ કર્યો કે વડાપ્રધાન આ વિષય પર સંસદમાં ચર્ચા કેમ નથી થવા દેતા અને દેશને વિશ્વાસમાં કેમ નથી લેતા?