BJDમાંથી વધુ એક વિકેટ પડી, ચૂંટણી પહેલા અનુભવ મોહંતીએ પાર્ટીમાંથી છેડો ફાડ્યો
ભુવનેશ્વર (ઓડિશા), 30 માર્ચ: અભિનેતામાંથી રાજકારણી નેતા બનેલા અનુભવ મોહંતીએ BJDના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. ઓડિશાના કેન્દ્રપરાના સાંસદ મોહંતીએ પોતાનું રાજીનામું પાર્ટી અધ્યક્ષ અને સીએમ નવીન પટનાયકને કોઈ ચોક્કસ કારણ દર્શાવ્યા વિના સોંપ્યું છે. મહત્ત્વનું છે કે, એક પછી એક ઓડિશામાં સત્તાધારી રાજકીય પક્ષમાંથી BJDના ઘણા મુખ્ય નેતાઓ 2024ની નિર્ણાયક ચૂંટણી પહેલા પાર્ટી છોડી રહ્યા છે. ભૂતપૂર્વ ધારાસભ્યો પ્રિયદર્શી મિશ્રા અને આકાશ દાસ નાયક પછી, અનુભવ મોહંતીએ શનિવારે બીજેડીમાંથી છેડો ફાડ્યો છે.
ओडिशा के केंद्रपाड़ा से BJD के लोकसभा सांसद अनुभव मोहंती ने पार्टी छोड़ी। pic.twitter.com/PiKQ3WJyeq
— ANI_HindiNews (@AHindinews) March 30, 2024
અનુભવ મોહંતી ભાજપમાં જોડાય તેવી શક્યતા
મોહંતી અગાઉ બીજેડીના સ્ટાર પ્રચારક હતા અને રાજ્યના અનેક ભાગોમાં કાર્યરત હતા. જો કે, તેઓ લાંબા સમયથી પાર્ટીના કાર્યક્રમો અને બેઠકમાંથી ગાયબ હતા. આના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે મોહંતી ટૂંક સમયમાં બીજેડી છોડી દેશે. અગાઉ મોહંતી કટકના સાંસદ ભર્તૃહરિ મહતાબ દ્વારા આયોજિત હોળી કાર્યક્રમમાં જોવા મળ્યા હતા જેઓ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે મોહંતી ભાજપના વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં છે અને ભાજપમાં સામેલ થઈ શકે છે.
અનુભવ મોહંતી પોતાના પારિવારિક વિવાદને કારણે છેલ્લા કેટલાક સમયથી BJDના લગભગ તમામ કાર્યક્રમોથી દૂર હતા. આવી સ્થિતિમાં પાર્ટીમાં તેમની હાજરી કે ગેરહાજરી ના બરાબર હતી. બીજી તરફ, ભાજપે ઓડિશાની કુલ 21 લોકસભા બેઠકોમાંથી 18 લોકસભા બેઠકો માટે તેના સાંસદ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમજ કટક સહિત 3 સંસદીય મતવિસ્તારોના ઉમેદવારોના નામ હજુ જાહેર કરવાના બાકી છે. હવે જોવાનું એ રહેશે કે, BJD છોડી ગયેલા નેતાને ભાજપ ટિકિટ આપશે કે નહીં?
આ પણ વાંચો: કોંગ્રેસને વધુ એક મોટો ફટકો! પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલના પુત્રવધૂ ભાજપમાં જોડાયા