ઉત્તર ગુજરાતગુજરાત

જન્મના વધામણાં : લક્ષ્મીપુરામાં 125 દીકરીઓને ચાંદીના સિક્કા તેમજ ઝાંઝર આપવામાં આવ્યા

Text To Speech
  • વિક્રમભાઈ પટેલે 12 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું અભિયાન

પાલનપુર : આજના આધુનિક યુગમાં મહિલાઓ દરેક સ્તરે પુરુષ સમોવડી બની સમાજના વિકાસ અને ઘડતરમાં મહત્વનો ફાળો આપી રહી છે. શિક્ષણ, રમત ગમત, કલા, સાહિત્ય, રાજકારણ જેવા ક્ષેત્રોથી આગળ વધી આજની ભણેલી ગણેલી યુવતીઓ આર્મી, નેવી, એરફોર્સ જેવા પુરુષ આધિપત્ય વાળા ક્ષેત્રોમાં પણ પોતાનું પ્રદાન આપી દેશ સેવા સાથે મહિલા સશક્તિકરણ અને નારી ગૌરવની પ્રેરણાદાયી કથાઓ દ્વારા સમાજને નવી રાહ ચીંધી રહી છે. આમ છતાં આજે પણ આધુનિક સભ્યતા ધરાવતા સમાજ અને શહેરોમાં પણ દીકરી જન્મને અપશુકન માની તેમની ભ્રુણમાં જ હત્યા કરી દેવામાં આવે છે.પાલનપુર -HUMDEKHENGENEWS

આજની 21 મી સદીમાં પણ રૂઢિગત માન્યતાઓ અને અંધશ્રદ્ધાને કારણે દીકરીઓને માતાના ગર્ભમાં જ જીવવાનો અધિકાર છીનવી લેવામાં આવે છે. સમાજની આવી માનસિકતા સામે લડવાના મક્કમ મનોબળ અને સામાજિક ચેતનાના નિર્ધાર સાથે કેટલીય સામાજિક શૈક્ષણીક સંસ્થાઓ અને આગેવાનો દીકરીઓને જન્મવાનો અધિકાર આપવાની સાથે એક સન્માનપૂર્વક જીવન જીવી શકે અને ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે એવા પ્રયાસો કરતા હોય છે. તેમના આ પ્રયાસો સામાજિક નવ જાગૃતિ સાથે નારી સન્માન અને નારી ગૌરવની મિશાલ બની રહેતા હોય છે અને અન્ય સમાજ માટે પ્રેરણારૂપ બનતા હોય છે.

જન્મના વધામણાં-HUMDEKHENGENEWSઆવી જ વાત છે પાલનપુર તાલુકાના લક્ષ્મીપુરા ગામના વિક્રમભાઈ દલછાભાઈ પટેલની. આજથી 12 વર્ષ પહેલાં તેમણે શરૂ કરી કરેલી નારી ગૌરવ, નારી સન્માનના અભિયાનને પાલનપુરના લક્ષ્મીપુરા ગામના શ્રી ઉમીયા શક્તિ મંડળે આવકારી સમર્થન અને સહકાર આપ્યો છે. અને સમાજમાં દીકરીઓના સન્માનની અનોખી પહેલ થકી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લક્ષ્મીપુરા ગામે દીકરીઓના સન્માનની આગવી છાપ ઉભી કરી છે.

પાલનપુર તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં શ્રી ઉમિયા શક્તિ મંડળ દ્વારા દીકરીઓના જન્મદરમાં વધારો થાય અને એમનું સમાજમાં મહત્વ વધે તે માટે વર્ષ દરમિયાન જન્મેલી તમામ દીકરીઓને આખા ગામની વચ્ચે સન્માનવામાં આવે છે. આ કાર્યની શરૂઆત 12 વર્ષ પહેલા લક્ષ્મીપુરા ગામના જ વિક્રમભાઈ દલછાભાઇ પટેલ નામના યુવાને શરૂ કરી હતી. દીકરીઓને જન્મવાનો અધિકાર પ્રાપ્ત થાય અને ભ્રૂણ હત્યા અટકે તેવા શુભ આશયથી વિક્રમભાઈ પટેલે દીકરી જન્મના વધામણા સંકલ્પ શરૂ કરીને ‘બેટી બચાવો અભિયાન’ શરૂ કર્યું હતું. તેમના આ અભિયાનને લાખો લોકોએ સોશિયલ મીડિયા થકી અભિવાદન કરી વધાવ્યું છે અને તેમના આ દીકરી જન્મના વધામણાં સંકલ્પમાં સેંકડો લોકો સહભાગી થઈ રહ્યા છે.આ અંગે વિક્રમભાઈએ જણાવ્યું હતું કે “સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટતી જોઈને સર્વપ્રથમ 2010માં મેં પ્રથમ દીકરીને ચાંદીના સિક્કા અને બંને હાથના ચાંદીના કડા આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઉત્તરો ઉત્તર એક જ પરિવારને જ્યારે બીજી બેબી જન્મે ત્યારે કડા ઉપરાંત 50 ગ્રામ ચાંદીનો સિક્કો અને ત્રીજી બેબી ને કડા ઉપરાંત 100 ગ્રામ ચાંદીનો સિક્કો આપવાની શરૂઆત કરી હતી. મારા આ નાનકડા પ્રયાસને શ્રી ઉમિયા શક્તિ મંડળ લક્ષ્મીપુરા ગામે વધાવી લીધો અને પાછલા ચાર વર્ષથી મંડળ પણ દીકરીઓને પ્રોત્સાહન રૂપે ઝાંઝર આપે છે.

 

કોરોના કાળ દરમિયાન બેટી બચાવો અભિયાન અંતર્ગત દીકરી સન્માન કાર્યક્રમ થઈ શક્યા ન હતા. જેથી આ વખતે વર્ષ- 2020, 2021 અને 2022 માં જન્મેલી 125 દીકરીઓને કડા અને ચાંદીના સિક્કા આપવામાં આવ્યા છે. આ વખતે પ્રથમવાર અન્ય બે નવા દાતાઓનો પણ સહયોગ પ્રાપ્તસ થયો છે. જેમાં ડો. ગિરધર પટેલ અને હીરાભાઈ પટેલનો સમાવેશ થાય છે. જેમણે બીજી દીકરીને 1,000 અને ત્રીજી દીકરીને 2000 એમ રોકડ સહાય આપવાની તૈયારી દર્શાવી છે.

આજે દરેક સમાજમાં દીકરા દીકરી વચ્ચેની લિંગ સમાનતા ઘટી રહી છે ત્યારે સમાજમાં પુરુષો અને મહિલાઓના જન્મદરના પ્રમાણમાં સમાનતા લાવવા દીકરીઓને જન્મવાનો અધિકાર આપવો જ પડશે અને આવા પ્રયાસો થકી જ આ અસમાનતા દૂર કરી શકાશે. દીકરી જન્મના અવસરે દરેક પિતા એમ કહેશે કે ‘‘મારી છોરી છોરાઓ સે કમ હૈ કયા…? ’’

Back to top button