Biporjoy cyclone: દ્વારકા મંદિરના કપાટ થયા ભક્તો માટે બંધ
- ભક્તોની સલામતીને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
- જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યુ જાહેરનામું
- દ્વારકાધીશ મંદિર બે દિવસ ભક્તો માટે બંધ રખાશે
બિપોરજોય વાવાઝોડાને લઇને ગુજરાતના તટીય વિસ્તારો પર સંકટ તોળાઇ રહ્યુ છે. વાવાઝોડાની આ સ્થિતિને જોતા દ્વારકા મંદિર બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટરે ભક્તોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અંગેનો નિર્ણય લીધો છે. જોકે નિયમિત પૂજા અર્ચના ચાલુ રહેશે અને ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જગતના નાથ દ્વારકાધીશના દર્શનનો લહાવો લઇ શકશે.
પૂજા-અર્ચના ચાલુ રહેશે, ઓનલાઇન દર્શનનો લાભ
વાવાઝોડાની સ્થિતિ બાદ ફરી દ્વારકાધીશના દર્શન થઈ શકશે. મંદિરમાં દ્વારકાધીશની સેવા પુજાનો નિત્યક્રમ પરંપરા મુજબ પુજારીઓ દ્વારા ચાલુ રહેશે. જેની સૌ ભાવિક ભક્તજનોએ નોંધ લેવી તેમજ દ્વારકાધીશના નિત્ય દર્શન માટે સંસ્થાની વેબસાઈટ તથા સંસ્થામા અન્ય અધિકૃત સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન દર્શન નિહાળી શકાશે
આ મંદિરો પણ રહેશે બંધ
દ્વારકાધીશ મંદિર ઉપરાંત અન્ય મંદિરો પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કાગવડનું ખોડલધામ મંદિર પણ આજે બંધ હતુ. હજુ આવતી કાલે પણ મંદિર બંધ રહેશે. મંદિર બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બિપરજોય વાવાઝોડાને કારણે 14મી અને 15મી જૂને ખોડલધામ મંદિર બંધ રહેશે. બિપરજોય વાવાઝોડાને લઇને ટ્રસ્ટે નિર્ણય લીધો છે.
સોમનાથ મંદિરે દર્શન માટે ન આવવા અપીલ
સોમનાથ મંદિરે દર્શન માટે ન આવવા માટે ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તો સુપ્રસિદ્ધ સાળંગપુર ખાતે દાદાના દર્શન તારીખ 16 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો ઘરબેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી દાદાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠે પહોંચા માર્ગ, રેલ વ્યવહારને ઠપ્પ કરવામાં આવ્યો છે, જેમાં સોમનાથ આવતી તમામ ટ્રેન, બસ સર્વિસ બંધ કરવામાં આવી છે.
અંબાજી મંદિર પર રોપ-વેની સુવિધા બંધ
આ સિવાય યાત્રાધામ અંબાજીમાં 4 દિવસ ગબ્બર પરના રોપ-વેની સુવિધા સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં 16 જુન સુધી આ સુવિધા સદંતર બંધ રહેશે.
આ પણ વાંચોઃ બિપરજોય : રાજ્યના ખરીદ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી મોકૂફ, સમયમર્યાદા લંબાવાઈ