કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

બિપરજોયની અસર : રાજકોટમાં 50 ફૂટનો પતરાનો શેડ હવામાં ઉડ્યો, 74 વૃક્ષો ધરાશાયી

  • શહેરમાં ગઇકાલે 35 અને આજે વધુ 15 વૃક્ષો તૂટી પડયા
  • મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા હાથ ધરાઈ યુધ્ધના ધોરણે કામગીરી
  • તંત્ર દ્વારા સક્રિય કામગીરી શરૂ કરવામા આવી
  • મહાનગરપાલિકાનું શહેરમાં સતત મોનીટરીંગ

છેલ્લા ત્રણ દિવસથી બિપરજોય વાવાઝોડાની સંભવિત અસર સામે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સક્રિય કામગીરી શરૂ કરવામા આવી છે. હજી બીપરજોયએ તેનું અસલી સ્વરૂપ બતાવ્યું નથી એવા સંજોગોમાં ગઇકાલે ભારે પવનના કારણે ગોંડલ ચોકડી પાસે આવેલા એક ગોડાઉનમાં 50 ફૂટ લાંબો પ્લાસ્ટિક પતરાનો શેડ હવામાં ઉડ્યો હતો અને, અન્ય એક ગોડાઉનના છાપરાં પર જઇને પડ્યો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. ભારે પવનના કારણે છેલ્લા ત્રણ દિવસમાં 74થી વધુ વૃક્ષો ધરાશાાયી થયા છે. જ્યારે મહાનગરપાલિકાને વીજ પુરવઠો ખોરવાઇ જવાની 968 ફરિયાદો મળી છે.

શેડ દૂર કરવામાં 1 કલાકનો સમય લાગ્યો

એક તરફ બિપરજોય વાવાઝોડાની ચાલ અને તેની સંભવિત અસર સામે સરકારી તંત્ર એલર્ટ બન્યું છે.અને મહાનગરપાલિકાના ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર અનીલ ધામેલીયાએ જુદી જુદી ટીમો બનાવીને અધિકારીઓ અને કર્મચારીઓને કામે લગાડી દીધા છે ત્યારે બીજી બાજું બિપરજોયની લહેરખી પણ કેટલું નુકસાન વેરી શકે તેમ છે તેની પ્રતિતી મહાનગરપાલિકા તંત્રને થઇ ગઇ હતી. ગઇકાલે ભારે પવનના કારણે ગોંડલ ચોકડી પાસે એક ગોડાઉનનો પતરાંનો શેડ હવામાં ઉડ્યો હતો. 150 ફુટ રીંગ રોડ પુનિતનગરથી ગોંડલ ચોકડી વચ્ચે વિશ્ર્વકર્મા સોસાયટી શેરી નં.5મા આવેલા ધર્મેશભાઇ કાનગડના ગોડાઉનનો 50 * 30 ફૂટનો પતરાનો શેડ ઉડ્યો હતો અને બાજુમાં આવેલા સંજયભાઇ ગોંસાઇના મકાનની દિવાલ પર ઉડીને બાજુના શેડ તથા મકાન પર પડયો હતો. આ બનાવ અંગે ફાયરબ્રિગેડ શાખાને જાણ કરાતાં ચીફ ફાયર ઓફીસર અને ડે.ચીફ ફાયર ઓફીસર તથા મવડી ફાયર સ્ટેશનની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આશરે 15 થી 20 ફુટ ઉપરના ભાગે પાઇપીંગમા પતરા ફીટ કરેલ સળંગ લાંબો શેડ આશરે 1 કલાકની મહેનત બાદ પતરા દૂર કરી નીચે ઉતાર્યો હતો.

3 દિવસમાં શહેરમાં 75 વૃક્ષો ધરાશાયી

બીજી બાજું ભારે પવનના પગલે છેલ્લા ત્રણ દિવસમાં 75 જેટલાં વૃક્ષો ધરાશાયી થયા હતા. તા. 13મીએ 21, તા. 14મીએ 35 અને આજે બપોર સુધીમાં 18 વૃક્ષો ધરાશાયી થયા છે. લક્ષ્મીનગર, ગુણાતીતનગર, ડી માર્ટની બાજુમા કુવાડવા રોડ, પવનપુત્ર ચોક સોરઠીયા વાડી, સુર્યમુખી હનુમાન, આર.એમ.સી કવાટર માર્કેટીંગ યાર્ડ પાસે, ડોમિનોઝ પિઝા સામે, જયંત કે જી મેઇન રોડ, નાનમવા મેઇન રોડ, કોઠારીયા રોડ, પુષકર ધામ, હરી ધવા રોડ, રૈયા ટેલિફોન એક્ષ્ચેન્જ, રાષ્ટ્રીય શાળા, નિલકંઠ પાર્ક, માલવીયા કોલેજ, અતિથી ચોક, 80 ફુટ રોડ ફૌજી પાન, વાણીયા વાડી, ત્રિવેણી સોસાયટી, માધાપર ગામ, ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ નાનમવા રોડ, ગોંડલ રોડ ચોકડી, યુનિવર્સીટી રોડ, પોપટપરા મેઇન રોડ, ક્રિસ્ટલ મોલની પાછળ, એ જી સોસાયટી, સરિતા વિહાર, માધાપર, વિમલનગર મેઇન રોડ, પુષ્કર ધામ મેઇન રોડ, નીલ સીટી, વિષ્ણુ વિહાર સોસાયટી, નાનમવા સર્કલ, ઘનશ્યામ નગર જનકપુરી સહિતના વિસ્તારોમાંથી વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો મળી હતી. જે તે વિસ્તારના સ્ટેશન ઓફીસરની ટીમ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષને ખસેડી માર્ગ ખુલ્લા કરવામા આવ્યા હતા. આ કામગીરી ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ કરવામા આવી હતી.

મનપા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ગુલ થવાની 968 ફરિયાદો

બીજી તરફ મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં સ્ટ્રીટ લાઇટ લાઇટ બંધ થવાની 968 ફરિયાદો કોલ સેન્ટરમાં નોંધાઇ છે. શહેરમાં અંદાજે 70 હજાર જેટલી એલઇડી સ્ટ્રીટલાઇટ લાઇટ છે ત્યારે સંભવિત વાવાઝોડા પહેલા છેલ્લા ત્રણ દિવસમા આ ફરિયાદો નોંધાઇ છે. આમાં 501 ફરિયાદો આખા વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયાની છે. અને 438 ફરિયાદો અંગત છે.

Back to top button