બિપરજોયઃ કનેક્ટિવિટીની શંકા વચ્ચે CM નિવાસે હેમ રેડિયો સ્ટેશન શરૂ
- ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર મુખ્યપ્રધાનના નિવાસે હેમ રેડિયો સ્ટેશન શરૂ કરાયું
- સીએમ હવે ઇમરજન્સીમાં તેમના નિવાસસ્થાનેથી તમામ પ્રશાસન સાથે સીધો સંપર્ક કરી શકશે
- સ્ટેટ કંટ્રોલરૂમ ખાતે પણ હેમ રેડિયો સ્ટેશન અને SDRFનું વાયરલેસ સ્ટેશન શરૂ
બિપોરજોય વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય અને કેન્દ્રીય તંત્ર એલર્ટ મોડ પર છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને હેમ રેડિયો સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર મુખ્યપ્રધાનના નિવાસે હેમ રેડિયો સ્ટેશન શરૂ કરાયું છે. સ્ટેટ કંટ્રોલરૂમ ખાતે પણ હેમ રેડિયો સ્ટેશન અને એસડીઆરએફનું વાયરલેસ સ્ટેશન ઊભું કરાયું છે.
બિપરજોય વાવાઝોડાના પગલે ભારે પવનથી ટાવર અને વીજળીને અસર થવાને લઈ કનેક્ટિવિટી બંધ થવાના સંજોગોમાં હેમ રેડિયો સ્ટેશન મહત્ત્વનાં સાબિત થશે. હવામાન વિભાગની આગાહી મુજબ કનેક્ટિવિટી બંધ થવાના પૂરેપૂરા સંજોગો ઊભા થઇ શકે તેમ છે ત્યારે તંત્ર અને વ્યવસ્થાપન કામગીરી માટે કનેક્ટિવિટી જળવાઈ રહે અને સીએમ આવી કપરી પરિસ્થિતિમાં પણ સંપર્ક કરી શકે તે માટે તેમના નિવાસસ્થાને હેમ રેડિયો સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.
સીએમ કોઈ પણ સમયે તમામ પ્રશાસન સાથે સંપર્કમાં રહી શકશે
સીએમ ભૂપેન્દ્ર પટેલ બિપોરજોય વાવાઝોડાથી સંભવિત પ્રભાવિત થનારાં દરિયા કિનારાનાં ગામડાંઓ સાથે સીધો સંપર્ક કરીને હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી રહ્યા છે. સીએમ ડેશબોર્ડના માધ્યમથી દરિયાકાંઠાના ૧૬૪ ગામોના સીધા સંપર્કમાં છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના પદાધિકારીઓ અને સરપંચ સાથે વાતચીત કરી તેમને સ્થળાંતર અંગે તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ પણ આપી છે. અસરગ્રસ્ત ગામોમાં સંદેશાવ્યવહાર જળવાઇ રહે એ માટે કલેક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લાં ર૦ વર્ષમાં આવેલા ચક્રવાત-વાવાઝોડાના પવનની તીવ્રતા તથા અન્ય અસરો અંગે મેળવવામાં આવેલા ડેટાબેઝના આધારે સીએમ દ્વારા લાંબા ગાળાના ઉપાયો યોજી શકાય તે માટે જરૂરી વ્યવસ્થા અને સર્વેક્ષણ કરી લેવામાં આવ્યું છે.
CM સતત PMO અને કેન્દ્રીય ગૃહપ્રધાનના સંપર્કમાં
બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા-સલામતી માટે થયેલા આયોજન અને માર્ગદર્શન માટે સતત પીએમઓ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સંપર્કમાં છે. આ વાવાઝોડાની અસર બીજા દિવસે પણ જોવા મળશે.
હેમ રેડિયોની અગત્યતા શું છે?
હેમ રેડિયોને સાદી ભાષામાં વાયરલેસ ઉપકરણ કહેવાય છે કે જેના દ્વારા વિશ્વના કોઇ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર પડતી નથી, તેના માટે માત્ર એક ખાસ પ્રકારનો રેડિયો એન્ટેના અને કારની ૧ર વોલ્ટની બેટરી જરૂરી છે. એક દાયકા પહેલાં જ્યારે ભયાનક સુનામી ત્રાટકી હતી ત્યારે સમગ્ર દેશની હેમ કોમ્યુનિટી ભારે મદદરૂપ બની હતી. ઉત્તરાખંડમાં જળપ્રલય આવ્યો ત્યારે પણ રાજકોટ-ગુજરાતમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના ભાગરૂપે હેમ રેડિયો ઓપરેટરોની મદદ લેવાઇ હતી. ગુજરાતનું એકમાત્ર ડિજિટલ કોમ્યુનિકેશનની સુવિધા ધરાવતું હેમ રેડિયો સ્ટેશન રાજકોટમાં છે. ઇન્ટરનેટની સુવિધા વગર હેમ રેડિયો દ્વારા ટેક્સ્ટ મેસેજિંગ શક્ય છે. હવે હેમ રેડિયોના માધ્યમથી ફોટોગ્રાફ અને ઇ-મેઇલ મોકલી શકાય છે.
આ પણ વાંચોઃ બિપરજોય વાવાઝોડુઃ પ્રાણીઓની મદદે વન વિભાગ, વેટરનરી ડોક્ટરો ખડેપગે