બિપરજોય ઇફેક્ટ: 24 કલાકમાં 115 તાલુકામાં ખાબક્યો વરસાદ; દરિયાકાંઠે હાઇએલર્ટ
- ગુજરાતના દરિયાકાંઠે 15થી 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે.
- 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં વરસાદ ખાબક્યો
- જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો
અરબી સમુદ્રમાંથી ઉઠેલા ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 180 કિમીથી પણ ઓછા અંતરે આવી ગયું છે. આ દરમિયાન ગુજરાતના દરિયાઓએ ઘૂંઘવાટા શરૂ કરી દીધા છે અને 15થી 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતો.
આજે બપોર બાદ બિપરજોય જખૌના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
રાજ્યના અનેક તાલુકામાં વરસાદ:
રાજ્યના 115 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમા સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે કેશોદમાં પોણા 2 ઈંચ, ધ્રોલમાં દોઢ ઈંચ, ભુજમાં અને અમરેલીના લીલીયામાં દોઢ ઈંચ જ્યારે કચ્છના અંજારમાં સવા ઈંચ વરસાદ તેમજ ખાંભાના કલ્યાણપૂ, જામકંડોરણામાં એક વરસાદ પડ્યો હતો.
તે ઉપરાંત માંગરોળ, વંથલી, કાલાવડ અને બગસરામાં પણ પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.
125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય શકે છે:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. આજે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય શકે તેવી સંભાવના છે.
આ જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી:
હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની અગાઉથી જ આગાહી કરેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેરા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી છે.
બિપરજોય વાવાઝોડાને પગલે અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: બિપરજોય વાવાઝોડું: અસરગ્રસ્ત નાના ભુલકાઓ માટે મુન્દ્રા-બારોઈ ખાતેનું શેલ્ટર હોમ બન્યું “શિક્ષણ”નું મુકામ