કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારની તમામ દુકાનો,ગલ્લાઓ,લારીઓ બંધ કરવાનો હુકમ
- સંભવિત વાવાઝોડાની અસર હેઠળના પશ્ચિમ કચ્છના દયાપર, દોલતપર, પાન્ધ્રો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા ગામોની બજારો તા.૧૬/૬ સુધી બંધ રાખવા આદેશ કરાયો.
હાલમાં અરબ સાગરમાં ચક્રવાતી બિપરજોય વાવાઝોડું ઉદભવેલ છે. જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શકયતા છે. જેના લીધે કચ્છ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની તથા ઉંચા દરિયાઇ મોજાંઓ ઉછળવાની પ્રબળ શકયતા હોઇ, આ સમય કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા રૂપે કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારના સંભવિત અસર પામનાર ગામોમાં બજારની તમામ દુકાનો, ગલ્લાઓ, લારીઓ બંધ કરવાનું અત્યંત જરૂરી જણાય છે.
તા. 14/06/2023 થી તા.16/06/2023 સુધી તમામ દુકાન, ગલ્લા, લારીઓ બંધ
જિલ્લા મેજીસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ ૧૪૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારના સંભવિત અસર પામનાર દયાપર, દોલતપર, પાન્ધ્રો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા ગામોમાં તા.૧૪/૬/૨૦૨૩ના રાત્રિના ૨૦ કલાકથી તા.૧૬/૬/૨૦૨૩ના સવારના ૬ વાગ્યા સુધી હુકમનો અમલ કરવાનો રહેશે.
આ હુકમ અન્વયે મેડીકલ સ્ટોર, દૂધ વેચાણ કેન્દ્રો તથા પેટ્રોલપંપ ચાલુ રાખવાના રહેશે. આ જાહેરનામામાંથી કોઇ વ્યકિતને અનિવાર્ય સંજોગોવસાત મૂકિત આપવાની થાય તો તે અંગેના અધિકાર જે તે પોલીસ સ્ટેશનના થાણા ઈન્ચાર્જને આપવામાં આવ્યા છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિતને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ પણ વાંચો: હાઈકોર્ટમાં વકીલો વીડિયો કોન્ફરન્સથી દલીલ કરી શક્શે, ત્યાં હાજર રહેવાની જરુર નહીં રહે