ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિલ્કિસબાનો કેસમાં દોષિતોને ઝટકો, શરણાગતિની મુદત વધારવા SCનો ઈનકાર

  • ત્રણ દોષિતોએ આત્મસમર્પણ કરવા માટે વધારાનો સમય આપવાની માંગ કરતી અરજી કરી હતી
  • સુપ્રીમ કોર્ટે દોષિતોને સજામાં માફી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પણ રદ્દ કર્યો હતો

નવી દિલ્હી, 19 જાન્યુઆરી : બિલ્કિસબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગુનેગારોને આત્મસમર્પણ કરવા માટે વધારાના સમયની માગ કરતી અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ સુપ્રીમ કોર્ટે બિલ્કિસબાનો કેસમાં દોષિતોને સજામાં માફી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ્દ કરી દીધો હતો. દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્રણ દોષિતોએ કોર્ટ પાસે સરેન્ડર કરવા માટે સમય માંગ્યો હતો.

 

રાજ્ય સરકારે તમામ દોષિતોની સજા માફ કરી હતી

ગોધરા ટ્રેન આગકાંડ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ દરમિયાન બિલ્કિસબાનો પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં, ગુજરાત સરકારે 15 ઓગસ્ટ 2022ના રોજ તમામ દોષિતોને સજામાં માફી આપી હતી અને તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, 8 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને માફી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો અને દોષિતોને બે અઠવાડિયામાં જેલમાં મોકલવાનો નિર્દેશ આપ્યો.

આ સમગ્ર મામલો શું છે ?

2002ના રમખાણો દરમિયાન બિલ્કિસબાનો પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેના પરિવારના સાત સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી. આ જ કેસમાં રાજ્ય સરકારે 11 દોષિતોની સજામાં ઘટાડો કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવીને નવો આદેશ જારી કર્યો હતો. બેન્ચે કહ્યું હતું કે, સજા માફી માટે ગુજરાત સરકારનો આદેશ વિચાર્યા વગર પસાર કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારને મુક્ત કરવાનો અધિકાર ન હતો  

દોષિતોની સજા રદ કરતી વખતે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ કેસમાં માત્ર તે રાજ્યને જ અધિકાર છે કે જ્યાં ગુનેગાર પર કેસ કરવામાં આવે અને સજા સંભળાવવામાં આવે તેમજ દોષિતોની સજા માફ કરવાની અરજી પર નિર્ણય લેવાનો અધિકાર છે. મહારાષ્ટ્ર દ્વારા ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેને પગલે ખંડપીઠે કહ્યું કે, ‘અમારે અન્ય મુદ્દાઓ જોવાની જરૂર નથી. કાયદાના શાસનનું ઉલ્લંઘન થયું છે કારણ કે ગુજરાત સરકારે તેની પાસે ન હોય તેવી સત્તાનો ઉપયોગ કરી તેનો દુરુપયોગ કર્યો છે.

આ પણ જુઓ :રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવાના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

Back to top button