બિલકિસ બાનોએ ગેંગરેપ કેસમાં 11 દોષિતોની મુક્તિ મામલે સુપ્રીમમાં પુનર્વિચાર અરજી દાખલ કરી
ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ બાદના રમખાણોનો ભોગ બનેલી બિલકિસ બાનોના દોષિતોની સમય પહેલા મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. પીડિતા બિલકિસ બાનોએ 11 દોષિતોની સમય પહેલા મુક્તિને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને તમામ દોષિતોને જેલમાં પાછા મોકલવાની માંગ કરી છે. બિલકિસે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રિવ્યુ પિટિશન પણ દાખલ કરી છે. હાલમાં આ મામલે ક્યારે સુનાવણી થશે તેની તારીખ જાહેર કરવામાં નથી આવી. બિલકિસે 13 મેના રોજ આવેલા કોર્ટના આદેશ પર પુર્નવિચાર કરવાની માંગણી કરી છે. આ મામલો આજે ચીફ જસ્ટિસ સમક્ષ રાખવામાં આવ્યો હતો. તેમણે તેના પર વિચાર કરીને યોગ્ય બેંચ સામે મુકવાનું આશ્વાસન પણ આપ્યું છે.
આ અગાઉ બિલકીસ બાનોએ કહ્યું હતું કે, તેના અને તેના પરિવારના સાત લોકોની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોની સમય પહેલા મુક્તિથી તેનો ન્યાય પ્રત્યેનો વિશ્વાસ તૂટી ગયો છે. બિલકિસ બાનો રેપ કેસ અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા મામલે દોષિત તમામ 11 લોકોને ભાજપની ગુજરાત સરકારે માફી નીતિ હેઠળ સજા માફી આપ્યા બાદ 15 ઓગસ્ટના રોજ તેમને ગોધરા સબ-જેલમાંથી મુક્ત કર્યા હતા. ત્યારથી આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષે પણ આ અંગે સરકારને ઘેરી હતી. બિલકિસે પણ આ નિર્ણયની ટીકા કરી હતી.
આ પણ વાંચોઃ મોંઘવારીમાં ક્યારે મળશે રાહત? ક્રુડ ઓઇલનો ભાવ 81 ડોલરથી નીચે ગયો