બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી અને હિના રબ્બાની ખાર ડેપ્યૂટી વિદેશ મંત્રી બને તેવી શક્યતા
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનની નવી શાહબાઝ શરીફ સરકારમાં વિદેશ મંત્રી હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ હિના રબ્બાની ખારને નાયબ વિદેશ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ, ગઠબંધનની શરતો અનુસાર તમામ મુખ્ય મંત્રાલયો PPP અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) વચ્ચે વહેંચવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, PML-N નાણા મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ગૃહ મંત્રાલય જેવા તમામ મોટા વિભાગો પોતાની પાસે રાખશે. જ્યારે વિદેશ અને માનવાધિકાર મંત્રાલય PPP પાસે રહેશે.
હિના રબ્બાની ખાર રોજબરોજ કામ કરશે
મળતી માહિતી પ્રમાણે, બિલાવલ પહેલાં વિદેશ મંત્રી પદ લેવા તૈયાર ન હતા. તેમને લાગ્યું કે, આનાથી પાર્ટી અધ્યક્ષ તરીકેના તેમના કામ પર અસર પડશે. પરંતુ પાર્ટીના લોકોએ તેમને સમજાવ્યા કે તેમણે પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર સાથે આ પદ સંભાળવું જોઈએ. આ ફોર્મ્યુલા મુજબ બિલાવલ ભુટ્ટો વિદેશ મંત્રાલયના તમામ મોટા કામો જોશે અને વિદેશ પ્રવાસ કરશે. જ્યારે હિના રબ્બાની ખાર વિદેશ મંત્રાલયના રોજબરોજના કામને જોશે. થોડાં વર્ષો પહેલાં બિલાવલ ભુટ્ટો અને હિના રબ્બાની ખાર વચ્ચે પ્રેમસંબંધની ઘણી વાતો સામે આવી હતી.
હિના પાકિસ્તાનના પ્રથમ યુવા વિદેશ મંત્રી રહ્યા હતા
હિના રબ્બાની ખાર 2011થી 2013 સુધી પાકિસ્તાનના વિદેશ મંત્રી હતા. હિના રબ્બાની પાકિસ્તાનના પ્રથમ સૌથી યુવા વિદેશ મંત્રી હતા. યુસુફ રઝા ગિલાની સરકારમાં હિના રબ્બાની ખારને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 33 વર્ષની હતી. યોગાનુયોગ બિલાવલ ભુટ્ટો પણ આ જ ઉંમરે પાકિસ્તાનના વિદેશ મંત્રી બનવા જઈ રહ્યા છે.
વિદેશ મંત્રી તરીકે હિનાને ઘણાં પડકારો મળ્યાં હતા
તેમના કાર્યકાળ દરમિયાન હિના રબ્બાની ખારને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેઓ વિદેશ મંત્રી હતા ત્યારે અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને એબોટાબાદમાં યુએસ સ્પેશિયલ ફોર્સે ઠાર માર્યો હતો. આ સિવાય સીઆઈએના કોન્ટ્રાક્ટર રેમન્ડ ડેવિસે લાહોરમાં બે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓની હત્યા કરી હતી.