ઓડ પાસે પુરપાટ ઝડપે આવતી એક્ટીવાએ ટક્કરે પટકાયેલા બાઇક સવારનું મોત


આણંદઃ ઓડ ગામે રણછોડપુરા પેટ્રોલ પંપ નજીક પુરપાટ ઝડપે જતાં એક્ટીવાએ બાઇકને ટક્કર મારતા તેના પર સવાર યુવક ફંગોળાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા મૃત્યું નિપજ્યું હતું. આ યુવક પિયર ગયેલી પત્નીને લેવા માટે જઇ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં કાળનો કોળીયો બની ગયો હતો. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધ્યો હતો.
આંકલાવના અંબાવ ગામે છાછરીયા પુરા ગામે રહેતા રાજેશભાઈ રાવજીભાઈ પઢીયારનો નાનો ભાઈ રજનીકાન્તના લગ્ન ડાકોર મુકામે રહેતા જશવંતભાઈ પરમારની દિકરી આરતીબહેન સાથે થયાં હતાં. આરતીબહેન ચારેક દિવસ પહેલા તેમના પિયર ગયાં હતાં. જેમને લેવા માટે 15મી મેના રોજ રજનીકાન્ત બાઇક લઇને નિકળ્યો હતો.
દરમિયાનમાં ઓડ ગામે રણછોડપુરા પેટ્રોલ પંપ નજીક તેને અકસ્માત નડતાં તાત્કાલિક ડાકોર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં રાજેશભાઈ તાત્કાલિક ડાકોર પહોંચ્યાં હતાં. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, રજનીકાન્ત અંબાવથી ડાકોર આવતા હતા તે વખતે રણછોડપુરા પેટ્રોલ પંપ પાસે સામેથી આવતા એક્ટીવા નં.જીજે 7 બીડી 2517ના ચાલકે ટક્કર મારતા તેઓ રસ્તા પર પછડાયાં હતાં. જેમાં માથમાં ગંભીર ઇજા પહોંચતાં મૃત્યું નિપજ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસે એક્ટીવા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.