ટોપ ન્યૂઝનેશનલ

બિહારઃ 7માં ધોરણની પરીક્ષાના અંગ્રેજીના પેપરમાં કાશ્મીરને ગણાવ્યો અલગ દેશ, વિવાદ શરૂ

Text To Speech

પટનાઃ બિહારના કિશનગંજ જિલ્લામાં શિક્ષણ વિભાગનું નવું પરાક્રમ સામે આવ્યું છે. શિક્ષણ વિભાગ કાશ્મીરને ભારતનું અંગ ન માનતા હોવાનું સામે આવ્યું છે. સાંભળવામાં આ અજગતું જરુરથી લાગે પરંતુ આ વાત સાચી છે. બિહારના શિક્ષણ બોર્ડ દ્વારા સરકારી સ્કૂલ માટે સાતમા ધોરણની અર્ધવાર્ષિક પરીક્ષા લેવાઈ હતી. આ એક્ઝામમાં અંગ્રેજીના પેપરમાં પૂછવામાં આવેલા એક સવાલમાં કાશ્મીરને ભારતથી અલગ ગણાવ્યું હતું. આ સમગ્ર મુદ્દાને લઈને વિવાદ શરૂ થતાં આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. સોમવારે લેવામાં આવેલી પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેને લઈને વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા. આ અંગે ભાજપે પ્રતિક્રિયા આપતા બિહારના શિક્ષણ વિભાગ પર નિશાન સાધ્યું છે.

શું સવાલ પૂછવામાં આવ્યો હતો?
કિશનગંજના સાતમા ધોરણની અર્ધવાર્ષિક પરીક્ષાના અંગ્રેજીના પેપરમાં કાશ્મીર દેશમાં રહેતા લોકોને શું કહેવાય? આવો સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલને જોતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા હતા. પ્રશ્ન પત્રમાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે આ દેશમાં રહેતા નાગરિકોને શું કહેવાય, તેનો જવાબ ખાલી જગ્યામાં ભરી દો. જેમાં પહેલા નંબર પર સવાલ હતો કે ચીનમાં રહેતા લોકોને શું કહેવાય છે? બીજા નંબરનો સવાલ હતો કે નેપાળમાં રહેનારા લોકોને શું કહેવાય? ત્રીજા નંબરે પૂછવામાં આવ્યું હતું કે ઈંગ્લેન્ડમાં રહેતા લોકોને શું કહેવાય? ચોથા સવાલમાં કાશ્મીરમાં રહેતા લોકોને શું કહેવાય અને પાંચમા સવાલ તરીકે પૂછવામાં આવ્યું હતું કે ભારતમાં રહેતા લોકોને શું કહેવામાં આવે છે?

જો કે કેટલાંક વિદ્યાર્થીઓ આ સવાલનો જવાબ કાશ્મીરી આપ્યો હતો. તો ઘરે પહોંચ્યા બાદ તેમના વાલીઓએ આ પ્રશ્ન પત્ર જોયું ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રશ્નને લઈને વિવાદ ઊભો થતાં શિક્ષણ વિભાગના પદાધિકારીઓ જવાબ આપવાથી બચી રહ્યાં છે.

જિલ્લા શિક્ષણ પદાધિકારીએ કહ્યું- કારણ વગર આ મામલાને તુલ આપવામાં આવી રહ્યું છે
જિલ્લા શિક્ષણ પદાધિકારી સુભાષકુમાર ગુપ્તાને સમગ્ર વિવાદની જાણ હોવા છતાં તેમને આ મુદ્દાને ફાલતુ ગણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે એટલું કહ્યું કે કારણ વગર આ મામલાને હવા આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ જે સવાલ વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યો હતો તે પ્રશ્ન પત્ર જિલ્લા સ્તરે જ સેટ કરાયું હતું.

ભાજપે સાધ્યું નિશાન
તો આ સમગ્ર મામલે ભાજપના નેતાઓએ પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે. ભાજપના જિલ્લાધ્યક્ષ સુશાંત ગોપે કહ્યું કે શિક્ષણ વિભાગ કાશ્મીરને ભારતનું અંગ નથી માનતા અને એટલે જ આવો પ્રશ્ન સેટ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના માનસિક રીતે દિગભ્રમિત કરવા માટે આવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જો કે શિક્ષણ વિભાગે આ સવાલને ભૂલ ગણાવીને ટાળવાનો પ્રયાસ કર્યો પરંતુ આ ગંભીર મામલો છે ત્યારે આ અંગે વિભાગ તેમજ પાર્ટીના ટોચના નેતાઓને જાણ કરવામાં આવી છે.

શું બોલ્યા જિલ્લાધિકારી
કિશનગંજના ડીએમ શ્રીકાંત શાસ્ત્રીએ કહ્યું કે આ શિક્ષણ વિભાગની મોટી ભૂલ છે. આ માટે જે પણ કોઈ જવાબદાર હશે તેમને સજા આપવામાં આવશે. આ અંગેની તપાસ માટે ડીડીસીની અધ્યક્ષતામાં ટીમ બનાવવામાં આવી છે.

Back to top button