ટોપ ન્યૂઝનેશનલ

બિહાર : સાસારામમાં ફરી એકવાર વિસ્ફોટ, રામનવમીએ ભડકેલી હિંસા યથાવત

  • સાસારામમાં સવારે સાડા ચાર વાગ્યે બોમ્બ વિસ્ફોટ
  • બિહારમાં હિંસા બાદ અત્યાર સુધીમાં 109 લોકોની ધરપકડ
  • 12 રાઉન્ડ ફાયરિંગ થયું હતું જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું

આજે સવારે સાડા ચાર વાગ્યે સાસારામમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ પછી, જ્યાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો ત્યાં SSB જવાનોને બોલાવવામાં આવ્યા હતા. SSB જવાન ત્યાં ફ્લેગ માર્ચ કરી રહ્યા છે.

આ પણ વાંચો : માનહાની કેસમાં સજા સામે અપીલ માટે આજે રાહુલ ગાંધી ફરી સુરત આવશે, ચુસ્ત બંદોબસ્ત

તો બિહારશરીફમાં શનિવારે રાત્રે ફરી એકવાર હિંસા થઈ હતી. અહીંના પહારાપુરા વિસ્તારમાં જૂથો વચ્ચે અથડામણ થઈ. આ દરમિયાન 12 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તો બીજી તરફ બંગાળમાં હાવડા બાદ રવિવારે હુગલીમાં પણ રથયાત્રા પર પથ્થરમારો અને આગપંચી કરવામાં આવી હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ધોષે ભાગ લીધો હતો. બિહારમાં હિંસા બાદ અત્યાર સુધીમાં 109 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બિહારના રોહતાસના સાસારામમાં રામ નવમી પર થયેલ વિવાદ બાદ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સોમવારે સવારે પણ સાડા ચાર વાગ્યે સાસારામના નગર થાના વિસ્તારના મોચી ટોલામાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ બાદ SSB જવાનોએ અહીં ફ્લેગ માર્ચ કરી હતી. જો કે તમને જણાવી દઈએ કે સાસારામમાં અત્યાર સુધીમાં 32 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે બિહાર પોલીસે રામ નવમીના તહેવાર દરમિયાન નાલંદા જિલ્લાના બિહાર શરીફમાં સાંપ્રદાયિક તણાવના સંબંધમાં અત્યાર સુધીમાં 77 લોકોની ધરપકડ કરી છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી. બિહાર પોલીસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી રવિવારે કરવામાં આવેલા ટ્વિટ અનુસાર, “નાલંદાના બિહારશરીફમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય અને નિયંત્રણમાં છે. હિંસામાં સામેલ બદમાશોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 77 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળે પૂરતી સંખ્યામાં વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ દળ તૈનાત છે. સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે.”

આ પણ વાંચો : રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, આ તારીખે ભારે પવન સાથે વરસાદની આગાહી

પોલીસે અપીલ કરી – શાંતિ જાળવી રાખો

વિસ્તારમાં તણાવ વધવા અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને ફગાવી દેતા નાલંદા પોલીસે કહ્યું કે, “બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.” દરેકને શાંતિ જાળવવા વિનંતી છે, અફવાઓ પર ધ્યાન ન આપો. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નાલંદાના હિસુઆમાં એક જાહેર સભાને સંબોધી હતી. બીજી તરફ બિહાર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘વિસ્તારમાં તણાવ વચ્ચે રામ નવમી હિંસા માટે જવાબદાર અન્ય બદમાશોને પકડવા માટે તપાસ ચાલી રહી છે.’

બિહાર શરીફમાં કલમ 144 લાગુ

પોલીસે જણાવ્યું કે શનિવારે રાત્રે થયેલ અથડામણ બાદ બિહાર શરીફમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સાસારામ અને બિહાર શરીફમાં રામ નવમીના તહેવાર દરમિયાન ફાટી નીકળેલા કોમી રમખાણોના સંબંધમાં રાજ્ય પોલીસે શનિવારે 45 લોકોની ધરપકડ કરી હતી. બંને શહેરોમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળતાં વાહનો, મકાનો અને દુકાનોને સળગાવી દેવામાં આવી હતી અને અનેક લોકો ઘાયલ થયા હતા. ગુરુવારે સાંજે ફાટી નીકળેલી હિંસા પછી રોહતાસ જિલ્લા વહીવટીતંત્રે સાસારામમાં કલમ 144 લાગુ કરવાનો આદેશ આપ્યો હતો, જ્યારે શુક્રવારે બપોરે ફરી અથડામણો શરૂ થઈ હતી.

Back to top button