બિહાર: ટૉપર કૌભાંડના મુખ્ય આરોપીને ત્યાં EDના દરોડા, 3 કરોડની રોકડ જપ્ત
- બિહારના વૈશાલીમાં મોટી કાર્યવાહી કરતા EDએ 3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે
- બચ્ચા રાય પર EDની જમીન પર કબજો કરવાનો આરોપ છે
- દરોડા દરમિયાન બચ્ચા રાયના ઘરેથી પ્રોપર્ટી સંબંધિત 100 થી વધુ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા
બિહાર, 10 ડિસેમ્બર: ગઈ કાલે ED એ 2016માં બિહારમાં બહુચર્ચિત ટૉપર કૌભાંડના મુખ્ય આરોપી બચ્ચા રાયના ત્રણ સ્થાન પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન લગભગ 3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. EDએ ગઈકાલે વૈશાલીના ભગવાનપુરમાં બચ્ચા રાયના નિવાસસ્થાન અને શૈક્ષણિક સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન લગભગ 3 કરોડ રૂપિયાની રોકડ ઉપરાંત ઘણી જગ્યાએથી પ્રોપર્ટી સંબંધિત 100 થી વધુ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
ED દ્વારા જપ્ત કરાયેલી જમીન પર બાંધકામ કરી રહ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે વૈશાલી જિલ્લાના ભગવાનપુર પાસે વિશુન રાય મહાવિદ્યાલય, વિશુન રાય રાજદેવ ટ્રેનિંગ કોલેજ અને કિરતપુર ગામમાં બચ્ચા રાયના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બચ્ચા રાય ED દ્વારા જપ્ત કરવામાં આવેલી તેની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાવી રહ્યો હતો. આ દરોડા પહેલા 24 નવેમ્બરના રોજ EDના સહાયક નિયામક દ્વારા, બચ્ચા રાય ઉર્ફે અમિત કુમાર વિરુદ્ધ વૈશાલી જિલ્લાના ભગવાનપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં EDએ કહ્યું હતું કે, તેમની એજન્સીએ જે જમીન પર આ સંબંધિત સાઈન બોર્ડ લગાવ્યા હતા તે ઉખાડી દેવામાં આવ્યા છે અને ત્યાં ગેરકાયદેસર બાંધકામ પણ થઈ રહ્યું છે. એફઆઈઆર નોંધાયા બાદ પોલીસે બાંધકામ અટકાવી દીધું હતું.
શું છે 2016નું ટૉપર કૌભાંડ?
નોંધનીય છે કે, વર્ષ 2016માં રૂબી રાય નામની યુવતીએ ઇન્ટર પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં ટૉપ કર્યું હતું, જે બચ્ચા રાયની કોલેજની કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તેની પુત્રી હતી. ટૉપ-10ની યાદીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ વિશુન રાય કોલેજના હતા. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આ સંસ્થાના વિદ્યાર્થીઓ પૈસા આપીને, કોપી બદલીને અને પરીક્ષામાં છેતરપિંડી કરીને ટોપર બન્યા હતા. આમાં બચ્ચા રાય ઉપરાંત ઈન્ટર કાઉન્સિલના તત્કાલીન પ્રમુખ પ્રો. લાલકેશ્વર પ્રસાદ સિંહ, તેમના પત્ની ધારાસભ્ય ઉષા સિંહા અને ઘણા અધિકારીઓની મિલીભગતનો ખુલાસો થયો હતો.
આ પણ વાંચો, બાળાઓ માટે લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ યોજનાનો જૂનાગઢથી આરંભ