નેશનલ

રાજનેતાના પુત્રને ફાયદો પહોંચાડવા બદલ્યા નિયમ; 1600 કરોડ રૂપિયાનો આપી દેવાયો કોન્ટ્રાક્ટ

પટના: બિહારમાં એમ્બ્યુલન્સ સેવાના સંચાલનના કોન્ટ્રાક્ટને લઈને ભારે હોબાળો મચી રહ્યો છે. 31 મેના રોજ રાજ્યમાં 102 ઇમરજન્સી સેવા હેઠળ ચાલતી 2125 એમ્બ્યુલન્સ ચલાવવા માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે JDU સાંસદ ચંદ્રેશ્વર પ્રસાદ ચંદ્રવંશીના સંબંધીઓની છે. આરોપ છે કે સાંસદના સંબંધીઓને આ કોન્ટ્રાક્ટ આપવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને દસ્તાવેજો પણ લીક કરવામાં આવ્યા હતા.

એમ્બ્યુલન્સનો કોન્ટ્રાક્ટ પશુપતિનાથ ડિસ્ટ્રીબ્યુટર્સ પ્રાઈવેટ લિમિટેડ (PDPL)ને આપવામાં આવ્યો છે. સરકારની આ યોજના હેઠળ એમ્બ્યુલન્સ ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોને હોસ્પિટલમાં લઈ જાય છે અને તેના બદલામાં દર્દીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. આજે આ મામલે પટના હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.

અસલમાં આ કંપનીને બિહારમાં એમ્બ્યુલન્સ ચલાવવા માટે બીજી વખત કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ વખતે પીડીપીએલે કોન્ટ્રાક્ટ માટે એકલા દાવો કર્યો હતો. કંપની સામે ગેરરીતિના આક્ષેપો છે. 2017માં પહેલીવાર જ્યારે PDPLને આ કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે બીજી કંપની ‘સમ્માન ફાઉન્ડેશન’ તેની સાથે ભાગીદારી કરી રહી હતી. બંને કંપનીઓને એક કોન્સોર્ટિયમ (સહ-વ્યવસ્થા) હેઠળ 625 એમ્બ્યુલન્સ ચલાવવાનો સંયુક્ત કોન્ટ્રાક્ટ મળ્યો હતો. બિહારમાં 2017માં એનડીએ સરકારમાં આરોગ્ય મંત્રાલય ભાજપ પાસે હતું. મંગલ પાંડે મંત્રી હતા. અત્યારે મહાગઠબંધન સરકારમાં આરોગ્ય મંત્રાલય ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પાસે છે.

આ પણ વાંચો- ટાઈટેનિક જોવા ગયેલી સબમરિન ગુમ; સવાર છે બ્રિટિશ અબજોપતિ સહિત પાંચ લોકો

હવે મામલો પટના હાઈકોર્ટમાં પહોંચ્યો

‘સમ્માન ફાઉન્ડેશન’એ PDPL વિરુદ્ધ પટના હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલે આજે સુનાવણી થવાની છે. ફરિયાદીના વકીલ નિર્ભય પ્રશાંતે કહ્યું કે પીડીપીએલ ન તો ટર્નઓવરના માપદંડને પૂરા કરી રહી છે કે ન તો અનુભવ. ગમે તેમ કરીને તેને ટેન્ડર પ્રક્રિયામાં સમાવેશ કરીને ટેન્ડર આપી દેવામાં આવ્યું છે.

એડવોકેટ નિર્ભય પ્રશાંતે જણાવ્યું હતું કે એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સની સંખ્યા વધારીને 40 અને કોલ સેન્ટરમાં સીટોની સંખ્યા 50 કરવામાં આવી છે. નિયમો અનુસાર, જો કોઈ કંપની એકલી બોલી લગાવે છે, તો તેની પાસે છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી 750 એમ્બ્યુલન્સ, 50 એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ અને ઓછામાં ઓછી 75 સીટ ધરાવતું કોલ સેન્ટર ચલાવવાનો અનુભવ હોવો જોઈએ. ફરિયાદીના વકીલ અનુસાર, PDPL માપદંડને પૂર્ણ કરતું નથી.

બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે શું કહ્યું?

આ બાબતે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે અંગે ઘણી વિસંગતતાઓ જોવા મળી છે. જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે ગર્ભવતી મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ભાજપને આશા છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ થશે.

આ પણ વાંચો- પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસથી ભારતને શું મળવાની આશા?

Back to top button