ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિદેશની ઘેલછાએ સ્વદેશમાં ઓટલો પણ ઝૂંટવી લીધો

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2025: ભારત હવે પહેલા જેટલુ અવિકસિત પણ નથી ઉલ્ટાનું બહુરાષ્ટ્રીય કંપનીઓમાં અહીં આવવા માટે સ્પર્ધા પણ જામી છે. ગુજરાત સહિત ભારતમાં દરેક કંપનીઓ જેમ કે ઇન્ફર્મેશન ટેકનોલોજીથી લઇને એફએમસીજી અને વાહનો માટેનું મોટુ બજાર છે. એટલુ જ નહીં ગુજરાતે પણ ઔદ્યોગિક દ્રષ્ટિએ ઘણી પ્રગતિ કરી છે. જેમને ખરેખર કામ કરવું છે તેમને યેનકેન પ્રકારે કામ પણ મળી રહે છે. તાજેતરમાં પાસપોર્ટ, વિસા માટે કરોડો રૂપિયાની ઠગાઇ થઇ હોય તેવા અનેક અહેવાલો પ્રકાશિત થયા છે. અધૂરામાં પૂરું અમેરિકામાં ગેરકાયદે ગયેલા ગુજરાત સહિતના અનેક ભારતીયોને પ્લેન ભરી ભરીને સ્વદેશ પાછા ફરવાની ઝૂંબેશ ચાલી છે ત્યારે કહી શકાય કે વિદેશની ઘેલછામાં સ્વદેશમાં ઓટલો પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં આશરે 40 જેટલાને અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા છે. તેમની આપવિતી સાંભળતા જણાય છે કે ઘણાંએ અમેરિકા જવાની લ્હાયમાં પોતાના ઘર, ખેતર સુધ્ધા ગુરવે મુક્યા હતા. હવે ત્યારથી તેની પરનું વ્યાજ ગણો અને અમેરિકાની કમાણી નહીવત ગણીએ તો તેમણે હવે સ્વદેશ આવીને ફક્ત નવેસરથી  જીવન શરૂ કરવાનું રહેશે. આમ કહી શકાય વિદેશની ઝાકઝમાળ ઝાંઝવાના નીર જેવી છે, જેટલા નજીક પહોંચીએ એટલી આગળ ધપતી જ જાય છે.

વધુ દુઃખદાયક બાબત એ છે કે અમેરિકામાંથી નિર્વાસિત કરવામાં આવી રહેલા ભારતીયોને હાથકડી અને જંઝીરોમાં બાંધીને લાવવામાં આવી રહ્યા છે. આ મામલા પર વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. આ બાબતે કેન્દ્રએ હસ્તક્ષેપ કરવો આવશ્યક છે. જોકે અમેરિકાએ ગેરકાયદે વસનારાઓને પરત મોકલવાનો પૂરો અધિકાર છે પરંતુ હાલના પ્રમુખ પાસેથી આવી આશા રાખવી નિરર્થક છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

આપણે જાણીએ છીએ તેમ ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી અમેરિકા મોકલવા માટે ખાસ પ્રકારના એજન્ટ કામ કરી રહ્યા છે. જે વ્યક્તિ દીઠ 75 લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયાની રકમ વસૂલી રહ્યા છે. ત્યારબાદ લોકોને અમેરિકા પહોંચાડવા માટે અલગ-અલગ દેશોમાં થઈને લઈ જવામાં આવતા હોય છે.

નિષ્ણાતોના મતે જો આ સિલસિલો બંધ કરવો હોય તો રાજ્ય સરકારે જ કાઉન્સેલિગની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. જે કોઇ યુવાન કે યુવતીને વિદેશ જવાનું મન હોય તો પહેલા આવા કાઉન્સેલિંગની સેન્ટરની મુલાકાત લેવી જોઇએ. ઉપરાંત આવા કાઉન્સેલિંગ સેન્ટર જે કોઇ વ્યક્તિ જ્યાં પણ જવા માગતુ હોય તે દેશની સમગ્ર હકીકત જણાવવી જોઇએ અને શક્ય હોય તો ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં જવા માગતા લોકોને ત્યાંથી પ્રવર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરવા જોઇએ. આમ કરવાથી ઠગાઇના અને છેતરપીંડીઓના કિસ્સામાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પે એક ઓફર આપી ને અમેરિકામાં 40 હજાર લોકોએ રાજીનામા આપી દીધા

Back to top button