નીતિશ સરકારને મળી મોટી જીત; હાઇકોર્ટે બતાવી જાતિ આધારિત વસ્તી ગણતરી માટે લીલી ઝંડી
પટણા: નીતીશ સરકાર હવે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી શકશે. પટના હાઈકોર્ટે વસ્તી ગણતરી રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણય સાથે નીતીશ સરકારને હવે રાજ્યમાં જાતિ ગણતરી કરવા માટે લીલી ઝંડી મળી ગઈ છે. અગાઉ આ બાબતે સતત ચર્ચા ચાલી રહી હતી અને હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવાઈ રહી હતી. અરજદારોનું કહેવું છે કે હવે તેઓ આ મામલાને ફરીથી સુપ્રીમ કોર્ટ સમક્ષ મુકશે.
મુખ્ય ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રન અને ન્યાયમૂર્તિ પાર્થ સારથીની બેન્ચે જાતિ આધારિત વસ્તી ગણતરીને પડકારતી વિવિધ અરજીઓ પર ચુકાદો આપ્યો હતો.
Patna High Court dismissed the petitions challenging Bihar Government’s Caste based survey. pic.twitter.com/dzRYYMxTKs
— ANI (@ANI) August 1, 2023
નીતિશ સરકારને લીલી ઝંડી મળી ગઈ છે
બિહાર સરકારે જાન્યુઆરી મહિનામાં આ સર્વે શરૂ કર્યો હતો પરંતુ હાઈકોર્ટે તેના પર સ્ટે લગાવી દીધો હતો. સર્વે બે તબક્કામાં થવાનો હતો. પ્રથમ તબક્કો જાન્યુઆરીમાં કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ઘરેલૂ ગણતરીની કવાયત હાથ ધરવામાં આવી હતી. સર્વેક્ષણનો બીજો તબક્કો 15 એપ્રિલના રોજ શરૂ થયો હતો, જેમાં લોકોની જાતિ અને સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ સાથે સંબંધિત ડેટા એકત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા આ વર્ષે મે સુધીમાં પૂર્ણ કરવાની યોજના હતી, પરંતુ 4 મેના રોજ હાઈકોર્ટના નિર્ણય બાદ તેને અટકાવી દેવામાં આવી હતી.
હાઈકોર્ટે અગાઉ પ્રતિબંધ મુક્યો હતો
મુખ્ય ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રન અને ન્યાયમૂર્તિ મધુરેશ પ્રસાદની બેન્ચે સ્ટે માંગતી ત્રણ અરજીઓ પર આ આદેશ આપ્યો હતો. તેમાં જાણવા મળ્યું કે સર્વેક્ષણ એક વસ્તી ગણતરી હતી, જે માત્ર કેન્દ્ર સરકાર જ કરી શકે છે. કોર્ટે કહ્યું હતું કે, “અમને જાણવા મળ્યું છે કે જાતિ આધારિત સર્વેક્ષણ એ સર્વેની આડમાં વસ્તી ગણતરી છે, તેને હાથ ધરવાની સત્તા ફક્ત કેન્દ્રીય સંસદ પાસે છે, જેણે વસ્તી ગણતરી અધિનિયમ 1948 પણ ઘડ્યો હતો.” ત્યારબાદ બિહાર સરકારે જાતિ આધારિત સર્વે પર પ્રતિબંધ લગાવતા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
જોકે, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો હતો. આ પછી હાઈકોર્ટ દ્વારા આ કેસની સુનાવણી કરવામાં આવી હતી, જે બાદ આજે આ નિર્ણય આવ્યો છે. પિટિશનર યુથ ફોર ઇક્વાલિટી તરફથી એડવોકેટ અપરાજિતા અને રાહુલ પ્રતાપ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો-લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદી આપશે જવાબ; 8 ઓગસ્ટથી શરૂ થશે ચર્ચા