સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટી ઉથલ-પાથલ : કુલપતિ પદેથી ભીમાણીને હટાવી નીલાંબરીબેન દવેને ચાર્જ સોંપાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી કૌભાંડોને લઈ ચર્ચામાં રહેવા પામી હતી. ત્યારે આજે એકાએક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવી ઈન્ચાર્જ તરીકે હોમ સાયન્સ ભવનનાં એચઓડી નીલાંબરીબેન દવેની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ડો. ગિરીશ ભીમાણીને ક્યાં કારણોસર હટાવવામાં આવ્યા તે અંગે લોકોમાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.
યુનિવર્સિટીમાં આઠ કૌભાંડો થયા
મહત્વનું છે કે બે મહિના અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઠ કૌભાંડો થયા હતા. જેમાં માટી કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના તમામ કૌભાંડ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને તપાસ કરવા અંગે પત્ર મળ્યો હતો. જેમાં સરકાર દ્વારા માટી કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના કૌભાંડોને લઇને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બે સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.
જામનગર પ્રકરણ નડી ગયું ?
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જામનગર નજીક નાઘેડી ગામે આવેલી કોલેજમાં પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી કરાવવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ હતી. કુલપતિ ભીમાણીએ આ અંગે તપાસના આદેશ પણ આપ્યા હતા પરંતુ તેમાં કઈ પગલાં ન લેવાયા હોય અને પ્રકરણ દબાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ જે તે સમયે આ કોલેજ કુલપતિના નજીકનાઓ સંચાલિત હોય તેવી અટકળો વહેતી થઈ હતી. ત્યારે આ પ્રકરણ તો નથી નડી ગયું ને ? તેવી ચર્ચા પણ થઈ રહી છે.
યાદી માગવામાં આવી હતી
એક નોંધનીય વાત એ છે કે મે મહિનામાં યુનિવર્સિટીના સિનિયર ડીનની યાદી માગવામાં આવી હતી. આ યાદી મોકલવામાં આવી હતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિનિયર ડીનની યાદીમાં કુલ 4 લોકોનો સમાવેશ થયો હતો, જેમાં હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન નીલાંબરી દવે, લો ફેકલ્ટીના ડીન મયૂરસિંહ જાડેજા, મેનેજમેન્ટ ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન એસ. ભાયાણી અને આર્કિટેક્ટ ફેકલ્ટીના ડીન દેવાંગ પારેખનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નીલાંબરી દવે અગાઉ વર્ષ 2018 થી 19 દરમ્યાન આઠ મહિના સુધી ઈન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યા છે. ત્યારે હાલ નીલાંબરીબેન દવે હોમ સાયન્સ ભવનનાં એચઓડી તરીકે ફરજ બજાવે છે. તેમજ તેમનાં પતિ આલોક ચક્રવાત ગુરૂ ઘાંચીદાસ યુનિવર્સિટીનાં કુલપતિ છે.