ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ઉત્તર ગુજરાતના રાજકારણમાં મોટા કડાકા ભડાકા : કોંગ્રેસના દિગજ્જ નેતાઓએ આપ્યા રાજીનામાં

  • ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ પક્ષને અલવિદા કહ્યું
  • કોંગ્રેસની કથળતી હાલતથી લોકોના કામ થતા ન હોવાનું કારણ જણાવ્યું
  • ગોવાભાઈના સમર્થનમાં તેમના ભાઈ જગમાલ રબારી સહિત 8 નેતાઓના રાજીનામાં

બિપરજોય વાવાઝોડાની તબાહી વચ્ચે રાજકારણમાં રાજીનામાનું પુર સામે આવ્યું છે. આજે ઉત્તર ગુજરાત કોંગ્રેસના દિગજ્જ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ કોંગ્રેસને અલવિદા કહ્યા છે. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરને તેઓએ પત્ર લખીને રાજીનામુ આપી દીધું છે. બીજી તરફ તેમના સમર્થનમાં તેઓના ભાઈ જગમાલ રબારી સહિત 8 નેતાઓએ પણ પાર્ટીને રામરામ કહી દીધા છે. ઉલ્લેખનીય છે કે તેઓએ પાર્ટીની કથળતી હાલત અને લોકોના કામ ન થતા હોવાનો આરોપ આગળ ધરી પોતાનું રાજીનામુ આપ્યું છે. જેના કારણે બનાસકાંઠા પંથકના રાજકારણમાં અચાનક ગરમાવો આવ્યો છે.

ત્રણ ત્રણ દાયકાથી પક્ષ સાથે જોડાયેલા હતા

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બનાસકાંઠાના ડીસા તેમજ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે. છેલ્લા 35થી વધુ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા દિગ્ગજ આગેવાન તેમજ બનાસકાંઠાના ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ઉપરાંત ડીસા માર્કેટયાર્ડ, ખેતી બેંક સહિત વિવિધ સહકારી વિભાગો સાથે જોડાયેલા ગોવાભાઇ રબારીએ આજે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. આજે તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામાનું પત્ર સુપ્રત કર્યો હતો.

ભાજપમાં જોડાવવાની અટકળો વહેતી થઈ

ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે રાજ્યભરમાં દરેક રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસે પણ પોતાના પ્રદેશ પ્રમુખને પડતા મુકી પક્ષની જવાબદારી સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલને સોંપી છે. ત્યારે હવે ગોવાભાઈ રબારીના રાજીનામાંને લીધે તેઓ આવનારા દિવસોમાં ભાજપમાં જોડાઈ તેવી અટકળો તેજ થઈ છે. ગોવાભાઈ પોતાનું ભવિષ્ય કેવી રીતે સુધારે છે ? તે તો આવનારો સમય જ બતાવશે.

ગોવાભાઈના સમર્થનમાં કોણે-કોણે આપ્યા રાજીનામાં ?

મહત્વનું છે કે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ આજે પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. તેમના સમર્થનમાં તેઓના ભાઈ જગમલભાઈએ પણ નવસારી શહેર પ્રમુખ તરીકે રાજીનામુ ધરી દીધું છે. ત્યારે આ બને ભાઈઓના સમર્થનમાં આખરે બનાસકાંઠા કોંગ્રેસ વિખાઈ ગઈ છે. જેમાં ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રમેશસિંહ વાઘેલા, ડીસા શહેર પ્રમુખ શૈલેષ વ્યાસ, બનાસકાંઠા માલધારી સેલ કોંગ્રેસ સમિતિ પ્રમુખ પાંચાબાઈ રબારી, બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી નરસિંહ કાલોર, ડીસા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શિવાભાઈ ગલચોર, ડીસા વિધાનસભા કોંગ્રેસ સમિતિ મહામંત્રી અંકિત જોશી અને બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી જીતુસિંહ વાઘેલા​​​​​​​એ પક્ષને રામરામ કહી દીધા છે.

Back to top button