ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં મોટી દુર્ઘટના : ઘરની દિવાલ ધરાશાયી થતાં નીચે દબાઈને બે બાળકોના મૃત્યુ

  • નિર્માણાધીન બિલ્ડિંગની જૂની દિવાલ ધરાશાયી થતાં બે બાળકો ગંભીર રીતે ઘાયલ
  • દિલ્હીમાં પ્રદૂષણને કારણે સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ચાલી રહ્યું હતું બાંધકામ

નવી દિલ્હી, 25 નવેમ્બર : દિલ્હીના જૈતપુર એક્સટેન્શન પાર્ટ-2 વિસ્તારની ખડ્ડા કોલોનીમાં શુક્રવારે સાંજે નિર્માણાધીન બિલ્ડિંગની જૂની દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી કોલોનીના રહેવાસી બે બાળકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય બે બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે દિલ્હીમાં બાંધકામ અને ડિમોલિશન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.પોલીસએ હાલ કન્સ્ટ્રક્શન કરનાર આરોપીની માહિતી એકઠી કરી રહી છે.

 

મૃતકના સગાએ ઘટના અંગે કહ્યું કે, “આ ઘટના સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં મારા 4 વર્ષના પિતરાઈ ભાઈ અને તેની જ ઉંમરના એક પાડોશીના બાળકનું મૃત્યુ નીપજ્યું છે. દિલ્હીમાં પ્રદૂષણને કારણે બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં, અહીં ગેરકાયદેસર રીતે કામ ચાલી રહ્યું હતું..”

નિર્માણાધીન બિલ્ડીંગમાં બેઝમેન્ટનું ચાલી રહ્યું હતું ખોદકામ

પોલીસના જણાવ્યા અનુસાર, “કોલોનીમાં નિર્માણાધીન બિલ્ડિંગના ભોંયરામાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તેની જૂની દિવાલ કોલોનીની ડી બ્લોક સ્ટ્રીટ તરફ છે. સાંજે અહીં બાળકો રમતા હતા. ત્યારે જર્જરિત દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. બાળકો દિવાલ પાસે હોવાથી કાટમાળ નીચે દટાયા હતા. ઘટના બાદ કોલોનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોલોનીના લોકોએ તાત્કાલિક ઇંટો અને માટી હટાવવાનું શરૂ કર્યું. કાટમાળમાં ગૂંગળામણને કારણે ઈશાન અને હમઝાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. છોકરી રોશનીનો પગ ભાંગી ગયો હતો. ચોથા બાળકની હાલત પણ સ્થિર હોવાનું કહેવાય છે.

દિલ્હીમાં પ્રતિબંધ હોવા છતાં બાંધકામ ચાલી રહ્યું હતું

રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણને કારણે સરકારે કોઈપણ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતાં આરોપી બિલ્ડર છેલ્લા કેટલાય દિવસોથી બાંધકામની પ્રવૃત્તિ ચલાવતો હતો. આ ઘટના અંગે સંબંધિત વિભાગને પણ જાણ કરવામાં આવી છે. અકસ્માત બાદ, મૃતકના સ્વજનો રડી રહ્યા છે અને ખરાબ હાલતમાં છે.

આ પણ જુઓ :અફઘાનિસ્તાને દિલ્હીમાં તેના દૂતાવાસને કાયમી ધોરણે બંધ કરવાની કરી જાહેરાત, જાણો શું છે કારણ ?

Back to top button